

મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) વિસનગર તાલુકાના વાલમ ગામના પ્રવીણભાઈ પટેલે કોરોના મહામારી બાદ ખેતી ક્ષેત્રે નવી દિશા અપનાવી સફળતા તરફ પગલું ભર્યું છે. માત્ર 10મા ધોરણ સુધી અભ્યાસ કરેલા પ્રવીણભાઈ અગાઉ અમદાવાદમાં વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત હતા, પરંતુ 2021માં કોરોના બાદ ગામે પરત ફરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી.
શરૂઆતમાં મર્યાદિત સંસાધનો હોવા છતાં તેમણે પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી ખેતીમાં આગવી ઓળખ ઉભી કરી છે. હાલ તેઓ નેપિયર ઘાસ, મરચાં, શાકભાજી અને ફળના રોપાનું ઉત્પાદન કરે છે તેમજ ગૌપાલન સાથે સંકલિત ખેતી મોડલ વિકસાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે તેઓ જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પરંપરાગત ઉપાયોનો ઉપયોગ કરે છે, જેના કારણે જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે અને ખર્ચમાં ઘટાડો થાય છે.
પ્રવીણભાઈના જણાવ્યા મુજબ, એક એકર જમીનમાંથી દર વર્ષે 1 થી 5 લાખ રૂપિયાની આવક મેળવવી શક્ય બની રહી છે. તેમની કામગીરીને પગલે તેમને વિદેશમાં ખેતી સંભાળવાની ઓફર પણ મળી હતી, પરંતુ તેમણે પોતાના ગામ પ્રત્યેના લગાવને કારણે તે નકારી દીધી.
તેઓ હવે ઉત્પાદક અને ઉપભોક્તા વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરતું નવું મોડલ વિકસાવવા પ્રયત્નશીલ છે, જે ખેડૂતો માટે લાભદાયી બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR