

મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બોદલા ગામના પ્રગતિશીલ ખેડૂત અમરતભાઈ પટેલ અને તેમના પુત્ર જીગરભાઈ પટેલે ખેતીમાં નવીનતા દાખવી “વેસ્ટમાંથી બેસ્ટ”નો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સ્કૂટરના એન્જિનનો ઉપયોગ કરીને નાની આંતર ખેડ માટે મિની ટ્રેક્ટર તૈયાર કર્યું છે, જે હાલ ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.
જીગરભાઈના જણાવ્યા મુજબ, નાની ખેતીમાં મોટું ટ્રેક્ટર ઉપયોગી ન રહેતા અને ભાડે લેવું ખર્ચાળ પડતું હોવાથી આ વિચાર આવ્યો હતો. તેમના સંબંધીઓની મદદથી વેસ્ટ મટિરિયલ અને બજારમાંથી મળતી જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરીને આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે.
માત્ર અંદાજે 50,000 રૂપિયામાં બનેલું આ મિની ટ્રેક્ટર સ્કૂટર એન્જિન, બાઈક-સ્કૂટરના ટાયર અને લોખંડના મજબૂત ફ્રેમથી તૈયાર થયું છે. છેલ્લા 2 થી 3 વર્ષથી તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં પાક વચ્ચેની આંતર ખેડ માટે આ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
જ્યાં સામાન્ય ટ્રેક્ટરની કિંમત 2.5 લાખથી 7 લાખ સુધી હોય છે, ત્યાં આ સસ્તું વિકલ્પ નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. આ નવીનતા આત્મનિર્ભર ખેતી તરફ મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR