
- કોઈ કારણસર ઘરની પાછળના ભાગે હાથમાં લાકડીના સપાટા વડે યુવકને માથામાં માર્યા
ભરૂચ 14 એપ્રિલ (હિ.સ.) વાલિયા તાલુકાના રાજપરા ગામે જૂના ઝઘડાની રીસ રાખી ત્રણ મુસ્લિમ શખ્સોએ આદિવાસી યુવકને લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી જવા પામી છે. ઇજાગ્રસ્ત યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે વાલિયા પોલીસે હુમલાખોર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજપરા ગામના બસ સ્ટેન્ડ ફળીયામાં રહેતા સરફરાજ શેખ, તેનો ભાઈ શકીલ શેખ અને સરફરાજનો છોકરો સવારે 6 વાગ્યાની આસપાસ રોડ પર ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા તે જ ફળીયામાં રહેતા શૈલેષ જયંતી ગામીત નામના યુવક પર જૂના ઝઘડાની અદાવત રાખી સરફરાજે લાકડીના હાથા વડે અચાનક હુમલો કર્યો હતો.સરફરાઝે આવેશમાં આવી શૈલેષને લાકડીના આડેધડ સપાટા માથા પર ,પગમાં ,પીઠ ઉપર તેમજ આખા શરીરમાં મારવાનું શરૂ કરતા શૈલેષ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં શૈલેષનો પિતરાઈ ભાઈ ધર્મેશ રવિયા ગામીતે વિડિઓ ઉતારી લીધો હતો અને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને 112 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને વાલિયા રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો.શૈલેષને લાકડીનો હાથો મારતા માથાના ભાગે 12 જેટલા ટાંકા આવ્યા હોવાનું અને તેની માનસિક તેમજ શારીરિક સ્થિતિ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલખાતે રીફર કરવામાં આવ્યો છે.
ઇજાગ્રસ્ત યુવકની ગંભીર હાલતને જોતા તેના પિતરાઈ ભાઈ ધર્મેશ ગામીતે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સરફરાઝ શેખ રહે રાજપરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ 118(1),117( 2) 352 તથા એટ્રોસીટી એક્ટ કલમ 3( 2), 5( A )તથા જી પી એકટ કલમ 135 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.આ હુમલા પાછળ અગાઉ થયેલો કોઈ સાધારણ ઝઘડો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ બાબતે સરફરાઝ શેખને ત્યાં ડિસેમ્બર મહિનામાં શૈલેષ જયંતી ગામીતે ત્રણ ટ્રેક્ટર સળગાવવા પ્રયાસ કર્યા હતા અને ત્યારે સરફરાઝને શૈલેષે લાકડીનો સપાટો મારતા હાથમાં ફ્રેકચર થયું હતું ત્યારે ફરિયાદ કાયદેસર આપી હતી.ત્યારબાદ અવારનવાર શૈલેષ લાકડીના સપાટા લઈ રાત્રિના સરફરાઝના ઘરે જતો હતો તેના ડ્રાઇવરોને ધમકાવતો હતો.ગતરોજ ફરી વહેલી સવારે લાકડીનો સપાટો લઈ મારવા જતા બચાવમાં સરફરાઝે એનો સપાટો એને માર્યો હતો.જે અગાવના અને ગતરોજના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ સ્ટેશનમાં આપ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ