



નવા મહામંત્રી તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલની વરણી
કારોબારી સભામાં કાર્યસૂચિ મુજબના કામો હાથ ધરવામાં આવ્યા હતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સામાન્ય સભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું
ભરૂચ 14 એપ્રિલ (હિ.સ.)
તારીખ 14 એપ્રિલ 2026 ના રોજ શ્રી રંગ નવ ચેતન વિદ્યામંદિર વાલિયા મહિલા કોલેજના સેન્ટ્રલ હોલમાં વાલિયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ તથા ભરૂચ જિલ્લા નિવૃત કર્મચારી મંડળની કારોબારી સભા રાખવામાં આવી હતી જેમાં પ્રથમ વાલિયા તાલુકા નિવૃત કર્મચારી મંડળની કારોબારી સભા મંડળના વડીલ સલાહકાર કેસરીસિંહ બી સાયણીયા તથા પ્રમુખ દિલીપસિંહ બી રણાના પ્રમુખ સ્થાને મળી હતી.કારોબારી સભામાં કાર્યસૂચિ મુજબના કામો હાથ ધરવામાં આવ્યા હતા.મંડળના ચાલુ વર્ષના ત્રણ માસના હિસાબો સહમંત્રી જે એમ અટોદરિયાએ રજૂ કર્યા અને મંડળમાં થયેલ કાર્યની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આગામી સામાન્ય સભામાં લેવાના કામોની ચર્ચા કરવામાં આવી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સામાન્ય સભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળની એક અગત્યની કારોબારી સમિતિની બેઠક પ્રમુખ દલપત પરમારના અધ્યક્ષસ્થાને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ બેઠકમાં મંડળના વહીવટી કાર્યો, હિસાબી પારદર્શિતા અને સંગઠનલક્ષી ફેરફારો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મંડળની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીના તમામ હિસાબો રજૂ કરી તેની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત હોદ્દેદારોએ મંડળ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
બેઠક દરમિયાન એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંડળના વર્તમાન મહામંત્રી એમ. એ. ખેર નાદુરસ્ત તબિયતને કારણે પોતાની સેવાઓ ચાલુ રાખવામાં અસમર્થ હોવાથી, તેમની ખાલી પડેલી જગ્યા પર નવા મહામંત્રીની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સર્વ સંમતિથી રાજેન્દ્રસિંહ એ. ગોહિલની ભરૂચ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના નવા મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી.
આ નિમણૂક સમયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો અને મંત્રીઓ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઠાકોરભાઈ સાધુ અધ્યક્ષ અને એમ. બી. પંડ્યા રાજ્ય મંડળના જિલ્લા ટ્રસ્ટી ઉપરોક્ત મહાનુભાવોએ ઉપસ્થિત રહી મંડળના કાર્યોની ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી અને નિવૃત્ત કર્મચારીઓના હિત માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજેન્દ્રસિંહ ગોહિલના નામની જાહેરાત થતા જ હાજર રહેલા તમામ સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયને વધાવી લીધો હતો. સમગ્ર વરણી પ્રક્રિયા લોકશાહી ઢબે અને સર્વ સંમતિથી પૂર્ણ કરવામાં આવી હતી. આગામી સમયમાં મંડળ નવા જોશ સાથે નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો વાચા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ