જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં જામનગરમાં પોલિંગ સ્ટાફને તાલીમ
જામનગર, 14 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરના ટાઉનહોલ ખાતે પોલિંગ સ્ટાફ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આ
પોલિંગ સ્ટાફને તાલીમ


જામનગર, 14 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરના ટાઉનહોલ ખાતે પોલિંગ સ્ટાફ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને સંબોધતા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાએ અત્યંત સરળ ભાષામાં ચૂંટણી કાર્યની ગંભીરતા અને તેની પવિત્રતા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં પોલિંગ સ્ટાફની ભૂમિકા અત્યંત મહત્વની છે, તેથી દરેક કર્મચારીએ ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખીને સમગ્ર પ્રક્રિયા ક્ષતિરહિત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

તાલીમ દરમિયાન કલેક્ટરે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને ’શું કરવું અને શું ન કરવું’તે અંગે પણ તબક્કાવાર ટેકનિકલ અને વ્યાવહારિક જાણકારી પૂરી પાડી હતી. તેમણે ખાસ તાકીદ કરી હતી કે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની વહીવટી અને ક્ષેત્રીય તૈયારીઓ મતદાનના એક દિવસ અગાઉ જ પૂર્ણ કરી લેવી જોઈએ, જેથી મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય.

વધુમાં, જો કોઈ પણ સ્તરે મૂંઝવણ કે માર્ગદર્શનની આવશ્યકતા હોય, તો વિલંબ કર્યા વિના તુરંત જ ઉપરી અધિકારીનું ધ્યાન દોરી યોગ્ય માર્ગદર્શન મેળવી લેવા પણ તેમણે સૂચના આપી હતી. આ તાલીમ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી વિરલ માકડીયા સહિત વોર્ડ નંબર 5 થી 8 ના પોલિંગ ઓફિસરો તથા મોટી સંખ્યામાં મહિલા પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande