ગાંધીધામમાં ગેસ રીફિલિંગના ગેરકાયદેસર ધંધા પર પોલીસનો દંડો – 24 બોટલ જપ્ત કરવામાં આવી
કચ્છ, 15 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગની પ્રવૃત્તિ સામે પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. “બી” ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જે પોતાના કબ્જાની ઓરડીમાં જોખમી રીતે ગેસ રીફિલ
Gas


કચ્છ, 15 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગની પ્રવૃત્તિ સામે પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. “બી” ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જે પોતાના કબ્જાની ઓરડીમાં જોખમી રીતે ગેસ રીફિલિંગ કરતો હતો.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના સૂચન અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સપેકટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં ટીમે અસરકારક કાર્યવાહી કરી હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઇંદીરાનગર રેલ્વે ફાટક પાસે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વગર ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતો હતો, જેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 24 ગેસ બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેમાં 4 ભરેલ અને 20 ખાલી બોટલોનો સમાવેશ થાય છે. ઉપરાંત રીફિલિંગ માટે વપરાતા વાલ્વ અને વજન કાંટો પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ મામલે આરોપી નિર્મલસિંગ મધુસિંગ રાજપુત (રહે. ઇંદીરાનગર, ગાંધીધામ) વિરુદ્ધ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 125 અને 287 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલમાં આરોપીને નોટિસ આપી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ પ્રકારની જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande