
જામનગર, 16 એપ્રિલ (હિ.સ.) : એક તરફ ગરમીના મહિના તરીકે ઓળખાતા ચૈત્ર મહિનાએ આજે વિદાય લીધી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં હવે ગરમાવો શરૂ થયો છે. ઉત્સાહમાં આવીને જામનગરના સાંસદે હરીફ રાજકીય પક્ષોને નિશાન બનાવી રાષ્ટ્રીય નેતા સાથે કાર્યકરના ફોટા પડાવવાની પણ સ્થાનિક આગેવાનોની હેશિયત નથી તેવા કરેલાં દાવા સાથે પોતે જાહેર જીવન છોડી દેવા સુધીની ચેલેન્જ આપી હતી. 24 કલાક બાદ જામનગર સાંસદના કૌટુંબિક કાકા અને પૂર્વ સાંસદ એવા કોંગી અગ્રણી વિક્રમભાઇ માડમે આ ચેલેન્જ સ્વિકારી વળતો પડકાર ફેંકતા ભારે ચર્ચા જાગી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી એક ચૂંટણી સભાને સંબોધન કરતી વેળાએ જામનગરના સાંસદ પૂનમબેન માડમે એવો હુંકાર કર્યો હતો કે, અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે અદનો કાર્યકર પણ આસાનીથી બાજુમાં ઉભીને તસ્વીર પડાવી શકે છે. તાલુકા કે જિલ્લાના આગેવાનની રજૂઆત પણ દિલ્હી હાઇકમાન્ડ સાંભળે છે. વિપક્ષમાં આવું વાતાવરણ જોવા મળતું નથી.
કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી તેના સ્થાનિક નેતાઓ કાર્યકરની તેના ટોચના નેતા સાથે મુલાકાત કરાવી શકતા નથી. એટલું જ નહીં તેઓને મળવું હોય તો પણ ઘણા પાપડ વણવા પડે છે. જો કોંગ્રેસ કે આપના નેતા તેના ટોંચના નેતા જાહેરમાં સામાન્ય કાર્યકરની તસ્વીર પડાવી આપે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.
પૂનમબેન માડમે ફેંકેલા આ પડકારને 24 કલાકમાં જ ઝીલીને વળતો પડકાર કરવામાં આવ્યો છે. 2014 માં સામ-સામે લોકસભાની ચૂંટણી લડનાર કૌટુંબિક કાકા-ભત્રીજી આ વખતની ચૂંટણી પ્રચારમાં 12 વર્ષ બાદ સામ-સામે આવ્યા છે. પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા વિક્રમભાઇ માડમે એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, 12 વર્ષથી અમે મર્યાદા જાળવી હતી પરંતુ હવે આ મર્યાદા તૂટી રહી છે તેથી અમારે આ પડકાર ઉઠાવવો પડ્યો છે.
તેઓએ સાંસદને સંબોધીને વળતી ચેલેન્જ કરી જણાવ્યું છે કે જામનગરના સાંસદ પસંદ કરે તે કોઇપણ કાર્યકરની તસ્વીર જાહેર મંચ ઉપરથી તેઓ રાહુલ ગાંધી સાથે પડાવી દેશે અને જો તેમ ન કરી શકે તો પોતે જાહેર જીવન કાયમ માટે છોડી દેશે અને જો સફળ થાય તો સાંસદે તેણે કરેલી જાહેરાતનો અમલ કરવો જોઇએ.
વિક્રમભાઇએ તેમ પણ કહ્યું હતું કે સાંસદ જાહેર મંચ ઉપરથી પોતાની પસંદગીના કોંગ્રેસના કાર્યકરનું નામ જાહેર કરી શકે છે. જેથી મારી પસંદગીના કાર્યકર સાથે ફોટો પડાવ્યો તેવું કહી ન શકાય.
આમ જામનગરના સ્થાનિક રાજકારણમાં સાંસદ ભત્રીજી અને પૂર્વ સાંસદ કૌટુંબિક કાકા વચ્ચેના રાજકીય પડકારની બાબત સમગ્ર હાલાર પંથકમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt