
- શિક્ષિત મતદાતા, સચેત મતદાતા' અંતર્ગત સ્કૂમ વિદ્યાલયમાં શપથ અને સર્જનાત્મકતા દ્વારા 100% મતદાનનો સંકલ્પ
- અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી
અમદાવાદ, 17 એપ્રિલ (હિ.સ.) : આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં 'સ્વેપ' (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ લેખન દ્વારા લોકશાહીના પર્વની મહત્તા સમજાવી હતી અને 'શિક્ષિત મતદાતા, સચેત મતદાતા'ના મંત્રને ગુંજતો કર્યો હતો.
લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત, વાલીઓ માટે એક વિશેષ મત જાગૃતિ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકોએ ઉત્સાહભેર જોડાઈને મતદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને પ્રત્યક્ષ સંપર્ક દ્વારા જાગૃત નાગરિક તરીકેની પોતાની ભૂમિકા સુપેરે નિભાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ