
સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં ખંડણી, મારામારી અને ખૂની હુમલા જેવા ગંભીર ગુનાઓથી આતંક ફેલાવનાર ચિરાગ મેરને અંતે પોલીસે ઝડપી લીધો છે. સુરત પોલીસને ચૂપકીથી બચી તે ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામ આસપાસ છુપાયો હતો, પરંતુ પોલીસે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે વિદેશ ભાગવાની તૈયારીમાં હતો.
આ ઓપરેશન માટે સુરત ઝોન-07ની એલ.સી.બી. ટીમે પાલ અને ઇચ્છાપોર પોલીસ સાથે મળીને સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આરોપી સતત પોતાની જગ્યા બદલતો હોવાથી તેને પકડવો પડકારજનક બન્યો હતો. તેમ છતાં, પોલીસની બે દિવસની સતત દેખરેખ અને ઇન્ટેલિજન્સના આધારે તેને ભાવનગર નજીક પરવાળા રોડ પરથી કોર્ડન કરી ધરપકડ કરવામાં આવી.
તપાસમાં ખુલ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં ચિરાગ મેરે તેના સાથીદારો સાથે મળીને એક વેપારીને મોર્ફ કરેલા ફોટા દ્વારા બ્લેકમેઇલ કર્યો હતો. આરોપીઓએ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી 15 લાખ રૂપિયાની માંગણી કરી અને 3 લાખ રૂપિયા બળજબરીથી વસૂલ્યા હતા. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ સક્રિય બની હતી.
ચિરાગ મેર સામે અગાઉથી જ ગુજસીટોક સહિત કુલ 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તે ફરી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયો હતો. હાલ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે અને તેની મદદ કરનાર લોકો તથા અન્ય સાગરીતો વિશે માહિતી એકત્રિત કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે