ભરૂચ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે ટોલ વસૂલાતના મુદ્દે NH-48 પર ચક્કાજામ
ભરૂચ, 16 એપ્રિલ (હિ.સ.) : નેશનલ હાઈવે-48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા ખાતે આજે સ્થાનિક રહિશો, ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રાવેલ્સ સંચાલકોએ એકઠા થઈને ટોલ વસૂલાતના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ હાઈવે પર ખાનગી બસો
ભરૂચ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે ટોલ વસૂલાતના મુદ્દે NH-48 પર ચક્કાજામ


ભરૂચ, 16 એપ્રિલ (હિ.સ.) : નેશનલ હાઈવે-48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા ખાતે આજે સ્થાનિક રહિશો, ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રાવેલ્સ સંચાલકોએ એકઠા થઈને ટોલ વસૂલાતના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ હાઈવે પર ખાનગી બસો આડી મૂકી દેતા વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો, જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.

આ આંદોલન પાછળનું મુખ્ય કારણ ટોલ ટેક્સના નિયમોનું ઉલ્લંઘન હોવાનું સામે આવ્યું છે. વિરોધ કરી રહેલા સ્થાનિક વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા મુજબ ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા સ્થાનિક વાહનો પાસેથી પણ નિયમ વિરુદ્ધ પૂરેપૂરો ટોલ વસૂલવામાં આવે છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના નિયમ મુજબ સ્થાનિકોને જે રાહત મળવી જોઈએ તે આપવામાં આવતી નથી.ટોલ પ્લાઝા પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને કારણે સમય અને ઈંધણનો મોટાપાયે વ્યય થાય છે, જેની અસર રોજિંદા પરિવહન પર પડી રહી છે. ટોલ પ્લાઝા ઉપરના બે ટકાના તેના રાખેલ કર્મચારીઓ વાહન ચાલકો સાથે દાદાગીરી કરી ગાળો પણ બોલે છે તેમજ ગેરવર્તન કરી હેરાનગતિ કરતા હોવાના ઘણા બનાવો બન્યા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક મુલદ ટોલ પ્લાઝા પર દોડી આવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે મધ્યસ્થી કરી હતી અને પ્રદર્શનકારીઓ સાથે સમજાવટભરી ચર્ચા કરી હતી. લાંબી જહેમત બાદ હાઈવે પર આડી મુકાયેલી બસોને હટાવી વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, ચક્કાજામને કારણે હાઈવે પર કેટલાય કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

બીજી તરફ, આ મામલે ટોલ પ્લાઝાના મેનેજરે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, અમે NHAI ના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છીએ. નિયમ મુજબ સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી માત્ર 50 ટકા જ ટોલ વસૂલવામાં આવે છે. આક્ષેપો પાયાવિહોણા છે.

ભલે હાલ પૂરતી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હોય અને ટ્રાફિક શરૂ થઈ ગયો હોય, પરંતુ સ્થાનિક લોકો અને ટ્રાન્સપોર્ટર્સમાં ભારે રોષ યથાવત છે. જો આગામી દિવસોમાં ટોલ વસૂલાતના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં વધુ આક્રમક આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande