
પાટણ, 16 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરના જરાદીવાડો રતનપોળ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ લાંબા સમયથી ચાલી રહેલા ત્રાસ અંગે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે શબ્બિર કાળુભાઈ શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, આશરે બે-ત્રણ વર્ષ પહેલા પંખો રિપેર કરવા માટે આવેલા આરોપીએ ઘરે એકલી રહેલી પરિણીતાનો હાથ પકડી શારીરિક છેડતી કરી હતી. સાથે જ તેણે ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહેશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાખશે. આ ભયને કારણે પરિણીતાએ તે સમયે મૌન ધારણ કર્યું હતું.
આ ઘટનાના બાદ પણ આરોપી વારંવાર ઘરે આવી છેડતી કરતો રહ્યો અને તેનો પીછો કરી અભદ્ર માંગણીઓ કરતો હતો. દોઢ વર્ષ પહેલા કડી, મહેસાણા ખાતે રહેવા જતા છતાં તે પાટણ આવી પરેશાન કરતો રહ્યો. 5 એપ્રિલ, 2026ના રોજ પણ તેણે સાંજે પરિણીતાનો પીછો કરી તેને ત્રાસ આપ્યો હતો.
આખરે આરોપીના સતત ત્રાસથી કંટાળી પરિણીતાએ પોતાના પતિ અને સાસુને આ અંગે જાણ કરી અને 15 એપ્રિલ, 2026ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બી.એન.એસ.ની કલમ 74, 75(2), 78 અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ