
વલસાડ,16 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં પ્રોહીબિશનના ગુનાઓ સામે કડક અભિયાન અંતર્ગત ડુંગરી પોલીસે લાંબા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. છેલ્લા દોઢ વર્ષથી ફરાર રહેલો આરોપી અંતે પોલીસના હાથમાં આવ્યો છે, જેને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.રાજ્યમાં પ્રોહીબિશનના ગુનાઓને નેસ્તનાબુદ કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડુંગરી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. યુ.એચ. પટેલ તથા તેમની ટીમ સતત વોચ અને પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન ડુંગરી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૦૦૧૯૨૪૧૭૭૮/૨૦૨૪ મુજબના પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨), ૫૪ હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી હાર્દિક ઉર્ફે કાગડો ગૌતમભાઈ ટંડેલ , રહે. નાની દાંતી, અગ્રી ફળીયા, તા.જી. વલસાડ પોતાના ઘરે આવેલ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.બાતમીના આધારે ડુંગરી પોલીસે ટીમવર્ક સાથે સ્થળ પર દબોચો મારી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી લાંબા સમયથી સ્થળ બદલતો રહેતો અને પોલીસને ચકમો આપતો હતો, છતાં ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોની મદદથી તેને ઝડપવામાં સફળતા મળી છે.પકડાયેલા આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાંપકડાયેલા આરોપીને ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન પ્રોહીબિશનના જાળામાં સંકળાયેલા અન્ય લોકો વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.આ કામગીરીમાં પો.ઇન્સ. યુ.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હિરેન બચુભાઈ, એ.એસ.આઈ. કમલેશ ધવલીયાભાઈ, હેડ કોન્સ્ટેબલ કીરીટ મોતીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિતીન બળદેવભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.ડુંગરી પોલીસની આ સફળ કામગીરીથી જિલ્લામાં પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં ભયનું માહોલ સર્જાયો છે અને સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha