સુરતના રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ, ‘મેજર કોલ’ જાહેર બાદ ફાયરની તાત્કાલિક કાર્યવાહી
સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં આગની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે 16 એપ્રિલના રોજ રિંગ રોડ પર કમેલા દરવાજા નજીક આવેલી મિલેનિયમ માર્કેટ-1માં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગે તરત જ ‘મેજર
Surat


સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં આગની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે 16 એપ્રિલના રોજ રિંગ રોડ પર કમેલા દરવાજા નજીક આવેલી મિલેનિયમ માર્કેટ-1માં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગે તરત જ ‘મેજર કોલ’ જાહેર કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

આગ લાગતાં જ માર્કેટમાં હાજર વેપારીઓ અને કામદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા, તેમજ સુરક્ષાના પગલાં તરીકે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક વેપારીઓ પોતાનો માલ બચાવવા પ્રયત્નશીલ બન્યા હતા. દુકાનોમાં રહેલા કાપડના મોટા જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ગાઢ ધુમાડો દૂર સુધી દેખાયો હતો.

ફાયર બ્રિગેડે ઘટનાને ગંભીરતાથી લઈ શહેરના અલગ-અલગ સ્ટેશનમાંથી 14થી વધુ ફાયર ટેન્ડરો મોકલ્યા હતા. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો, જેથી ફાયરના જવાનો ઝડપથી સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી શકે.

પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, કાપડના માલને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande