

પાટણ, 16 એપ્રિલ (હિ.સ.) : હારીજ શહેરના મુખ્ય બજારમાં કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે ‘જલારામ મિત્ર મંડળ’ દ્વારા રાહદારીઓ અને ખરીદી કરવા આવતા લોકો માટે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિ ૧લી એપ્રિલથી શરૂ થઈ છે અને ૧૫ મે સુધી સતત દોઢ મહિના સુધી ચાલશે. છેલ્લા પાંચ વર્ષથી આ સેવા નિયમિત રીતે કરવામાં આવે છે.
હાલ લગ્નસરાની મોસમ હોવાથી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો હારીજ બજારમાં આવે છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને રાહત મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ એક હજારથી વધુ લોકો ઠંડી છાસનો લાભ લે છે, જ્યારે ખાસ કરીને ગુરુવારે લસ્સી, કેરીનો રસ, લીંબુ શરબત અને વરિયાળીનું શરબત પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે.
આ સેવાયજ્ઞ જલારામ મિત્ર મંડળના જનકભાઈ ઠક્કર અને જલિયાણ ગ્રુપ દ્વારા સ્વ. ફરશુરામ ડાહ્યાલાલના સ્મરણાર્થે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં નિલેશભાઈ, મિતેશભાઈ અને શૈલેષભાઈનો સહયોગ છે. હિતેશ પ્રજાપતિ, લખન જનકભાઈ ઠક્કર, જૈમેન પ્રજાપતિ, મહેશભાઈ મહારાજ સહિતના સભ્યો સેવા આપી રહ્યા છે, અને ૧૨ વર્ષની દેવાંશી પણ ઉત્સાહપૂર્વક જોડાઈ છે. ગુરુવારે બપોરે ૧૨થી ૪ દરમિયાન આશરે એક હજારથી વધુ લોકોએ વરિયાળીના શરબતનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ