
ભાવનગર, 16 એપ્રિલ (હિ.સ.)પાલિતાણા શહેર માટે ગૌરવની ક્ષણ બની છે, કારણ કે અહીંની પ્રતિભાશાળી વિદ્યાર્થીની કુમારી કૃપાલી દિનેશભાઈ કામળિયાએ પી.એચ.ડી. પદવી પ્રાપ્ત કરીને શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય, જૂનાગઢ દ્વારા તેમને આ પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત કરવામાં આવી છે, જે તેમની મહેનત, લગન અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પરિચય કરાવે છે.
કુમારી કૃપાલીએ બહાઉદ્દીન ગવર્મેન્ટ આર્ટ્સ કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ગૌરાંગકુમાર જાનીના માર્ગદર્શન હેઠળ ‘અનુઆધુનિક ગુજરાતી નવલકથામાં પુરાકલ્પનનો વિનિયોગ : એક અભ્યાસ’ (પસંદગીની નવલકથાના સંદર્ભે) વિષય પર મહાશોધનિબંધ તૈયાર કર્યો હતો. આ સંશોધનમાં તેમણે આધુનિક ગુજરાતી સાહિત્યમાં પુરાણિક તત્વોનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.
કુમારી કૃપાલી કામળિયાએ અગાઉ જીસેટ પરીક્ષા પાસ કરી છે, જે તેમના શૈક્ષણિક કૌશલ્યનું પ્રતિબિંબ છે. તેઓએ પૌરાણિક સાહિત્ય જેમ કે રામાયણ, મહાભારત અને ભાગવત પુરાણ આધારિત કૃતિઓનું વિશેષ અધ્યયન કરીને તેને આધુનિક સાહિત્ય સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. તેમના અભ્યાસ દ્વારા સર્જકોની અભિવ્યક્તિ અને પરંપરાગત મૂલ્યો વચ્ચેનું જોડાણ સ્પષ્ટ થાય છે.
તેમની આ સિદ્ધિથી પરિવાર, શિક્ષણ સંસ્થા અને સમગ્ર પાલિતાણા શહેરમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. કુમારી કૃપાલીનું આ સફળતાપૂર્વકનું યાત્રા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. ભવિષ્યમાં પણ તેઓ સાહિત્ય ક્ષેત્રે વધુ સંશોધન કરી સમાજને મૂલ્યવાન યોગદાન આપે તેવી સૌની શુભેચ્છા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT