
-સુત્રાપાડા નગરપાલિકા ચૂંટણી ૨૦૨૬: મતદાન ૨ બેઠકો બિનહરીફ
ગીર સોમનાથ 16 એપ્રિલ (હિ.સ.) સુત્રાપાડા: સ્થાનિક સ્વરાજ્યની સુત્રાપાડા નગરપાલિકાની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શરૂઆત કરી દીધી છે. ભાજપના સચોટ સંગઠન અને રણનીતિના પરિણામે પાલિકાની કુલ ૨૪ બેઠકો પૈકી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
ચૂંટણીના જંગમાં વોર્ડ નં. ૫ માં કોંગ્રેસના બે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા , ભાજપના બે ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. આ જીત સાથે જ ભાજપે વિરોધ પક્ષો પર માનસિક સરસાઈ મેળવી લીધી છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ભવ્ય સફળતા પાછળ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડાના અગ્રણી શ્રી જશાભાઈ બારડનું કુશળ માર્ગદર્શન અને આશીર્વાદ તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી સુરસિંહભાઈ મોરી અને શહેર સંગઠનની સચોટ રણનીતિ મુખ્ય કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
આ સફળતા બાદ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા શહેર પ્રમુખ શ્રી સુરસિંહભાઈ મોરીએ જણાવ્યું હતું કે વિજય તો માત્ર એક ટ્રેલર છે. સુત્રાપાડાની જનતાને ભાજપના વિકાસ કાર્યો અને સુશાસનમાં અતૂટ વિશ્વાસ છે. વિરોધ પક્ષો પાસે હવે કોઈ જ મજબૂત મુદ્દા કે સંગઠન રહ્યું નથી. અમે બાકીની ૨૨ બેઠકો પર પણ રેકોર્ડબ્રેક બહુમતીથી જીતીશું અને સુત્રાપાડા નગરપાલિકામાં ૨૪ માંથી ૨૪ બેઠકો મેળવી ભવ્ય ભગવો લહેરાવીશું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ