
ભાવનગર, 16 એપ્રિલ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા ખાતે એડિશનલ સિટી એન્જિનિયરની અધ્યક્ષતામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરવાનો અને આગામી આયોજનને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો.
બેઠક દરમિયાન શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કચરા એકત્રિકરણ, વિભાજન અને નિકાલ જેવી કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે સાથે સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને ઉત્તમ સ્થાન મળે તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા પર પણ ભાર મૂકાયો હતો.
ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા સામે આવતા પ્રશ્નો અને પડકારો અંગે પણ બેઠકમાં ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારીઓએ સ્થળ પર આવતા વાસ્તવિક મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમ કે કચરાના સમયસર ઉપાડમાં આવતી મુશ્કેલીઓ, લોકોમાં જાગૃતિનો અભાવ અને સાધનોની અછત. આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે એડિશનલ સિટી એન્જિનિયરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને તાત્કાલિક ઉકેલ માટે સૂચનાઓ પણ આપી હતી.
બેઠકમાં આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવા માટે નવી કામગીરીઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તેમાં જનજાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા ડ્રાઇવ અને નિયમિત મોનીટરીંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠક દ્વારા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે દિશા નિર્ધારિત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT