
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : નગરપાલિકા થી લઈને તાલુકા પંચાયત સુધી—કેટલાક સ્થળોએ ઉમેદવારી પાછી ખેંચાતા ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવ્યો છે.
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. તા. 15 એપ્રિલ 2026 સુધીની સ્થિતિ મુજબ, વિવિધ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારોમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નગરપાલિકા ક્ષેત્રમાં કુલ 380 ઉમેદવારોમાંથી માત્ર 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જેમાં ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી અને મુન્દ્રા-બારોઇ નગરપાલિકાઓમાં કેટલીક જગ્યાએ ઉમેદવારી પાછી ખેંચાતા સીધી ટક્કર વધુ રસપ્રદ બની છે, જ્યારે નખત્રાણા નગરપાલિકામાં એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાયું નથી.
જિલ્લા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર હલચલ જોવા મળી છે. કુલ 109 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચાતા હવે અંતિમ લડત માટે મેદાન તૈયાર થયું છે.
તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીં સૌથી વધુ ઉમેદવારી પરત ખેંચાવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કુલ 499 ઉમેદવારોમાંથી 38 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અનેક બેઠકો પર સીધી ટક્કર કે ત્રિકોણીય જંગ સર્જાયો છે. ખાસ કરીને માંડવી, ભચાઉ અને નખત્રાણા તાલુકામાં ઉમેદવારી પરત ખેંચાવાના આંકડા ધ્યાન ખેંચે છે.
આ સમગ્ર પ્રક્રિયાથી હવે સ્પષ્ટ થાય છે કે ચૂંટણીમાં હવે અંતિમ મુકાબલો વધુ કટોકટીભર્યો બનવાનો છે. અનેક સ્થળોએ રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં બળવો અને આંતરિક ગઠબંધનો પણ પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
વિશ્લેષકોનું માનવું છે કે ઉમેદવારી પરત ખેંચાવાની પ્રક્રિયા પછી હવે મતદારો માટે પસંદગી વધુ સ્પષ્ટ બની છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં અણધાર્યા પરિણામો પણ આવી શકે છે.આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ તેજ બનશે અને દરેક પક્ષ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે પૂર્ણ શક્તિ સાથે મેદાનમાં ઉતરશે. કચ્છની આ ચૂંટણી હવે માત્ર સ્થાનિક મુદ્દાઓ પૂરતી સીમિત નથી, પરંતુ રાજકીય પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar