કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈ કડક આચાર સંહિતા અમલમાં, પ્રશાસન સતર્ક
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ-2026ને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા કડક રીતે અમલમાં મુકવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા. 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાવાનું
Ele


કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ-2026ને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા કડક રીતે અમલમાં મુકવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા. 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા. 1 એપ્રિલથી શરૂ થઈને તા. 30 એપ્રિલ 2026 સુધી ચાલશે. ચૂંટણીને નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા વિવિધ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અનેક જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા કોઈપણ રાજકીય સ્વરૂપના બલ્ક એસએમએસ મોકલવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મતદારોને કોઈપણ પ્રકારના પ્રભાવ કે પ્રલોભનથી બચાવવાનો છે. જો કોઈ રાજકીય પક્ષ, ઉમેદવાર અથવા અન્ય વ્યક્તિ દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવશે, તો તેમના સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તે ઉપરાંત, મતદાનના દિવસે પોલિંગ એજન્ટ અને પ્રિસાઇડીંગ અધિકારીઓ માટે પણ સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. પોલિંગ એજન્ટને મતદાન દરમિયાન માર્ક કરેલી મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રિસાઇડીંગ અધિકારીને મતદાર યાદી યોગ્ય રીતે સોંપ્યા બાદ જ મતદાન મથક છોડવાની છૂટ મળશે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવશે.

ચૂંટણી દરમિયાન વાહનોના ઉપયોગ અંગે પણ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ઉમેદવારો અને રાજકીય પક્ષોને પ્રચાર માટે વાહન વાપરવા અગાઉ સત્તાવાર પરવાનગી લેવી ફરજિયાત રહેશે. પરવાનગી મેળવ્યા બાદ જ તે વાહનનો ઉપયોગ ચોક્કસ મતવિસ્તારમાં કરી શકાશે અને વાહનના વિન્ડસ્ક્રીન પર પરવાનગી સંબંધિત વિગતો દર્શાવવી ફરજિયાત રહેશે. મતદાનના દિવસે એક ઉમેદવારને પોતાના ઉપયોગ માટે એક વાહન, ચૂંટણી એજન્ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરો માટે એક વાહન – આમ કુલ ત્રણ વાહનોની જ મંજૂરી આપવામાં આવશે. મતદારોને મતદાન મથકે લઈ જવા અથવા પરત લાવવા માટે મફત વાહન સુવિધા પૂરી પાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી મતદારો ઉપર કોઈપણ પ્રકારનું દબાણ અથવા પ્રલોભન ન ઉભું થાય.

મતદારો માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મતદાન મથકે મતદારોને શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહેવું રહેશે અને જ્યાં મહિલા મતદારો માટે અલગ વ્યવસ્થા હશે, ત્યાં તેઓએ તે મુજબ કતારમાં ઉભા રહેવું પડશે. મતદાન દરમિયાન એક પુરૂષ મતદાર પછી બે મહિલા મતદારોને મતદાન માટે પ્રવેશ આપવામાં આવશે. મતદાન કર્યા બાદ દરેક મતદારે તરત જ મતદાન મથકનો વિસ્તાર છોડવો ફરજિયાત રહેશે.

આ ઉપરાંત, દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને મતદાન દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી તેઓ સરળતાથી અને વિઘ્નરહિત રીતે પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે.

જિલ્લા પ્રશાસને આ તમામ નિયમોનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્રને પણ સત્તા આપી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ સ્તર સુધીના અધિકારીઓને અધિકાર સોંપવામાં આવ્યા છે.

આ રીતે, કચ્છ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા વ્યાપક અને કડક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક નાગરિક અને રાજકીય પક્ષે નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande