ગુનેરીમાં ભક્તિનો મહાસંગ્રહ: મહંત ઉદયનંદગીરી બાપુની 11મી પુણ્યતિથિ ભવ્ય રીતે ઉજવાઈ
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : ગુનેરી ગામ ખાતે આવેલ પવિત્ર નિત્ય શિવ નિરંજન ગુફા ધામમાં બ્રહ્મલીન મહંત શ્રી ઉદયનંદગીરી બાપુની 11મી પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવથી ઓતપ્રોત વાતાવરણ સર્જ
Guneri


કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : ગુનેરી ગામ ખાતે આવેલ પવિત્ર નિત્ય શિવ નિરંજન ગુફા ધામમાં બ્રહ્મલીન મહંત શ્રી ઉદયનંદગીરી બાપુની 11મી પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવથી ઓતપ્રોત વાતાવરણ સર્જાયું હતું અને દૂરદૂરથી ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રથમ દિવસે સાંજના સમયે આરાધનાભેર ભજન સંધ્યાનું આયોજન થયું હતું. ભક્તોએ સંતોની હાજરીમાં ભજન-કીર્તનનો આનંદ માણ્યો અને સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું. વિવિધ પંથોના સંતો અને મહંતોના આગમનથી કાર્યક્રમને વિશેષ તેજ મળ્યું હતું.

દ્વિતીય દિવસે પ્રાતઃકાળે વૈદિક વિધિ અનુસાર પૂજા, હવન, અભિષેક, આરતી, પાદુકા પૂજન અને ગુરુપૂજન જેવા ધાર્મિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા. આ તમામ વિધિઓ શાસ્ત્રી કિરણભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી, જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.

આ પવિત્ર પ્રસંગે દીપકભાઈ દેવચંદભાઈ રેલોન, હરેન્દ્રસિંહ ચાંદાજી જાડેજા અને લાખીયારજી ખેતાજી જાડેજા યજમાન તરીકે જોડાયા હતા અને વિધિઓમાં સેવાભાવથી ભાગ ભજવ્યો હતો.

કાર્યક્રમમાં હરીસંગીદાદા, હંસગીરી બાપુ, રાજનગીરી બાપુ, રાજપુરી બાપુ સહિત અનેક પ્રતિષ્ઠિત સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી હતી. સાથે સાથે સામાજિક તથા રાજકીય આગેવાનોની હાજરીએ પ્રસંગને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો.

ગુનેરી તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદ વિતરણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મેઘરાજજી રતનજી જાડેજા અને રતનજી મેઘરાજજી જાડેજાએ દાતાશ્રી તરીકે યોગદાન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહંત દિગંબર અશોકભારતીજી અને સેવા સમિતિએ સુવ્યવસ્થિત આયોજન સાથે અવિરત મહેનત કરી હતી. સમગ્ર પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande