મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયું નારીશક્તિ વંદન સંમેલન
ગાંધીનગર, 16 એપ્રિલ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’ના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટ પણે જણાવ્યું કે, વિમેન લેડ ડેવલપમેન્ટ દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણ કરીને નારી શક્તિની સહભાગિતાનો નવો ઈતિહાસ વિ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 16 એપ્રિલ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’ના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટ પણે જણાવ્યું કે, વિમેન લેડ ડેવલપમેન્ટ દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણ કરીને નારી શક્તિની સહભાગિતાનો નવો ઈતિહાસ વિધાનસભાથી લઈને સંસદ સુધી મહિલાઓની ૩૩ ટકા ભાગીદારીથી રચાય તે માટે આ બિલ સમયસર અમલમાં લાવવાની વડાપ્રધાનની નેમ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નીતિ-નિર્ધારણની પ્રક્રિયામાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકાથી શાસન વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા, પારદર્શિતા અને સંતુલન આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર 21મી સદીના ભારતના ઇતિહાસમાં આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાયું છે. સંસદના બંને ગૃહોમાં પસાર થયેલો ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માત્ર મહિલા અનામતનો કાયદો નથી, પરંતુ રાજકીય ફલક પર ક્રાંતિ લાવનારો ઐતિહાસિક દસ્તાવેજ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે મહત્વનું પગલું ભરવા જઈ રહ્યા છે. આ માટે સંસદનું વિશેષ સત્ર ત્રણ દિવસ માટે યોજાવાનું છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને આ અધિનિયમ તેને નવી ઊંચાઈઓ પર લઈ જશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત હંમેશા મહિલાલક્ષી નીતિઓ અને નારી સશક્તિકરણનું પ્રણેતા રહ્યું છે. રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં થયેલી ક્રાંતિની સફળતા પાછળ પરિશ્રમી બહેનોનો સિંહફાળો છે.

તેમની જ પ્રેરણાથી રાજ્યમાં એક દાયકા પહેલા જ પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપીને સ્થાનિક સ્વરાજમાં નિર્ણાયક ભૂમિકા આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં મહિલાઓના સામાજિક-આર્થિક ઉત્થાન માટેની વિવિધ યોજનાઓની ભૂમિકા આપતા કહ્યું કે, લાખો બહેનોએ સખી મંડળો દ્વારા આત્મનિર્ભર બની માઇક્રો એન્ટરપ્રિન્યોર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે. ગંભીર બીમારીઓ સામે PMJAYનું સુરક્ષા કવચ અને ઉજ્જવલા યોજના થકી ધુમાડા મુક્ત રસોડા જેવી અનેક મહિલાલક્ષી યોજનાઓએ તેમના સ્વાસ્થ્ય અને જીવનધોરણમાં સુધારો કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ આ PMJAY યોજનામાં સારવાર બાદ ઘરે જવા માટે પણ સરકાર રૂ. 300ની સહાય આપે છે. નમો ડ્રોન દીદી અને લખપતિ દીદી જેવી નવીન યોજનાઓ દ્વારા દેશની કરોડો બહેનોને આર્થિક સ્વાતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે.

નારી શક્તિની દ્રઢતા અંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પરિવારમાં માતા, દીકરી કે પત્ની કોઈપણ ભૂમિકામાં નારી હંમેશા મક્કમતાથી ઉભી રહે છે. આ નારી શક્તિ વંદન અધિનિયમના પરિણામે હવે રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપતી થશે અને વિકસિત ભારત માટે ‘વિકસિત ગુજરાત’નું લક્ષ્ય પણ સાકાર થશે.

નારીશક્તિ વંદન સંમેલનમાં પોતાના વિચારો રજૂ કરતા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાની સાથે આ વિકાસ યાત્રામાં મહિલાઓનું યોગદાન માર્ગદર્શક તરીકેનું છે. આજે રાજ્યમાં મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, સેવા, સ્ટાર્ટઅપ અને શાસન ક્ષેત્રમાં સક્રિય રીતે આગળ વધી રહી છે એટલું જ નહીં પણ તેઓ પોતાના વિકાસની સાથે સમગ્ર રાજ્યની પ્રગતિમાં સહભાગી બની છે.

આ પ્રસંગે પદ્મશ્રી વિજેતા રમીલાબેન ગામીતે જણાવ્યું હતું કે, જ્યારે મહિલાઓને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે છે, ત્યારે તેઓ સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિ અને મર્યાદિત શિક્ષણ હોવા છતાં, તેમણે અત્યાર સુધીમાં ૧૬૨ જેટલા સ્વ-સહાય જૂથો કાર્યરત કર્યા છે. આ જૂથો દ્વારા બહેનોને કડિયાકામ, સિલાઈ, બ્યુટી પાર્લર અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની તાલીમ આપીને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમણે ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન અને સુકન્યા સમૃદ્ધિ જેવી સરકારી યોજનાઓનો લાભ છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે મહિલાઓના અધિકાર અને સન્માનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં નારીશક્તિની ભૂમિકા અનિવાર્ય છે.

આ પ્રસંગે વુમન એમ્પાવરમેન્ટ અને ગ્લોબલ બિઝનેસ વિઝન પર ભાર મૂકતાં FICCI મહિલા વિંગ અમદાવાદના ચેરપર્સન ઉષા જયસ્વાલે કહ્યું હતું કે, મહિલાઓ માટે વ્યવસાય માત્ર નફો કમાવવાનું સાધન નથી, પરંતુ મૂલ્ય નિર્માણ અને સમાજ સાથે જોડાવાનો માર્ગ છે. ભારતીય મહિલા ઉદ્યોગસાહસિકોમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા રહેલી છે. આજે મહિલાઓ માત્ર સહભાગી નથી, પરંતુ લીડર્સ અને ચેન્જ મેકર્સ બની છે.

આ કાર્યક્રમમાં BAOU ના વાઇસ ચાન્સેલર ડૉ. અમી ઉપાધ્યાય, ઉદ્યોગ સાહસિક તૃપ્તિ જૈન અને પારૂ જયક્રિષ્ના સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande