



પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યના એકમો (જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા)ની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ-2026 અન્વયે પોરબંદર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કુતિયાણાની સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે કલાત્મક રીતે 'મતદાન જાગૃતિ કાર્યક્રમ' સંપન્ન યોજાયો હતો.
સ્વેપ (SVEEP) નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિશેષ ઉત્સાહ દાખવ્યો હતો. લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે વિદ્યાર્થીનીઓએ પોતાના અને સહેલીઓના હાથમાં આકર્ષક મહેંદીની ડિઝાઇન બનાવી 'ચૂંટણીમાં અચૂક મતદાન' કરવાના સંદેશાઓ કંડાર્યા હતા. મહેંદીના માધ્યમથી સમાજને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો આ પ્રયાસ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્યા મણિબેન ખૂંટીએ મતદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, સક્ષમ લોકશાહી માટે દરેક મત કિંમતી છે. તેમણે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને પોતાના પરિવાર અને આસપાસના લોકોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે આચાર્યા, શિક્ષકો, વોલેન્ટિયર્સ અને વિદ્યાર્થીનીઓએ અમે અવશ્ય મતદાન કરીશું અને અન્યને પણ મતદાન કરવા પ્રેરીશું તેવા ગંભીરતાપૂર્વક શપથ લીધા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડલ અધિકારી સંદિપ સોની, ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી સહિત સ્વેપ ટીમની આખી ટીમે જહેમત ઉઠાવી હતી. આ અવસરે શાળાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી લોકશાહીના આ અભિયાનને વેગ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya