
જામનગર, 16 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબર સિનેમા રોડ પર છરીથી હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ત્રણ શખ્સોએ મળીને એક એસ.ટી. ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા અને છેલ્લા 14 વર્ષથી જામનગરમાં એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હસમુખભાઈ નાગજીભાઈ ચૌહાણ (ઉંમર 50) ગઈકાલે, પોતાના બાઈક પર જામનગર આવ્યા હતા, અને અંબર ચોકડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન જામનગરમાં જ રહેતા મિત સુનિલભાઈ સાગઠીયા, પ્રિન્સ દિલીપભાઈ વરણ અને અતુલ નામના તેઓનો ત્રીજો સાગરીત વગેરે દ્વારા, એસ.ટી. ડ્રાઇવરને રોકીને તેઓ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, એક દિવસ અગાઉ લાલ બંગ્લા સર્કલ ખાતે ફરિયાદીના પુત્ર હર્ષ સાથે આરોપીઓની સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદ સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં, તે વાતના વેરઝેરના કારણે આરોપીઓએ ફરીયાદી પિતા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
હુમલાના બનાવ સમયે આરોપીઓએ છરી વડે ફરિયાદીને જમણા પગના જાંઘમાં, કમર નીચેના ભાગે, ડાબા પગમાં ગોઠણની નીચે અને ડાબા હાથની કોણી પાસે ઇજા પહોંચાડી હતી. તેમજ બન્ને ખંભા પર પણ છરકાની ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઈજાઓને કારણે ફરિયાદીને અનેક ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે, અને પોલીસ વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt