જામનગરમહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં હાઇટેક સાધનોનો ઉપયોગ
જામનગર, 16 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારો દ્વારા પ્રચાર માટે પરંપરાગત રીતો સાથે હાઈટેક સાધનોનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ બનાવીને મતદારો સુધી પહોંચવાનો ટ્રેન્ડ
મતદાન


જામનગર, 16 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારો દ્વારા પ્રચાર માટે પરંપરાગત રીતો સાથે હાઈટેક સાધનોનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ બનાવીને મતદારો સુધી પહોંચવાનો ટ્રેન્ડ તેજ બન્યો છે.

શહેરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો પ્રચાર માટે પોતાના વિસ્તારમાં ફરતા હોય ત્યારે માત્ર ઘર-ઘર જઈ પત્રિકાઓ આપવાનું જ નહીં, પરંતુ તે દરમિયાન મોબાઈલ ફોન દ્વારા વિડિયો રીલ્સ પણ તૈયાર કરી રહ્યા છે. આ રીલ્સને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પોતાના પ્રચારને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ચૂંટણીના પ્રચારને હાઈટેક બનાવવાના ભાગરૂપે ઉમેદવારો ખાસ કરીને યુવા મતદારોને ટાર્ગેટ કરી રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા માધ્યમો પર આ રીલ્સ ઝડપથી વાયરલ થતી હોવાથી પ્રચારનો નવો માધ્યમ ઉભો થયો છે.

ઉમેદવારો પોતાની જનસંપર્ક યાત્રા, મતદારો સાથેની મુલાકાત, રોડ શો અને નાના કાર્યક્રમોના વિડિયો બનાવીને તેને આકર્ષક રીતે રજૂ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઉમેદવારી પત્રો ભરાયા બાદ પ્રચાર માટે વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો મતદારોના ઘર સુધી પહોંચીને સંપર્ક સાધી રહ્યા છે, અને તે જ સમયે પોતાના પ્રચારના દ્રશ્યોને રીલ્સના સ્વરૂપમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી રહ્યા છે.

આ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જામનગર શહેરમાં ચૂંટણી પ્રચાર હવે રસ્તાઓ ઉપરાંત મોબાઈલ સ્ક્રીન પર પણ વધુ સક્રિય બની ગયો છે. ડિજિટલ પ્રચાર અને રીલ્સ પોલિટિક્સના માધ્યમથી ઉમેદવારો પોતાના પ્રભાવને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આ ચૂંટણીની એક ખાસ વિશેષતા બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande