
વાપી, 16 એપ્રિલ (હિ.સ.) : વાપી શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીનો પીછો કરી તેને લગ્ન માટે દબાણ કરવાનું અને ના પાડતા ધમકી આપવાનો બનાવ નોંધાયો છે. આ મામલે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
માહિતી મુજબ, વાપીના છીરી હિરાનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી, જે હાલ નીટની પરીક્ષાની તૈયારી કરી રહી છે, તે દરરોજની જેમ વાપી ચાલા સ્થિત આઈ સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલા આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ માટે જતી હતી. દરમિયાન તા. 15 એપ્રિલ 2026ના રોજ સવારે અંદાજે 9:10 વાગ્યાના સુમારે, આરોપી ગણેશ રાકેશ ગુપ્તા (રહે. છીરી હિરાનગર, રામેશ્વર એપાર્ટમેન્ટ) એક્ટીવા લઈને યુવતીનો પીછો કરી બિલ્ડિંગના પાર્કિંગ સુધી પહોંચ્યો હતો.
આરોપીએ યુવતીને રોકી “મારે તારી સાથે દસ મિનિટ વાત કરવી છે” કહી જબરજસ્તી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ વાત કરવા ઇનકાર કરતાં આરોપીએ તેને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. યુવતીએ સ્પષ્ટ ના પાડતા આરોપીએ યુવતીનો હાથ પકડી તેને મરડ્યો અને ઝપાઝપી કરી તેનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું.
આ ઉપરાંત આરોપીએ યુવતીના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને “તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને જાનથી મારી નાખીશ” તેવી ગંભીર ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યુવતીએ બુમાબુમ કરતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું. બાદમાં યુવતીએ તાત્કાલિક 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. યુવતીએ પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદમાં યુવતીએ જણાવ્યું છે કે આરોપી અગાઉ તેનો મિત્ર હતો, પરંતુ છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે કોઈ સંપર્ક નથી. તેમ છતાં આરોપી વારંવાર તેનો પીછો કરતો હતો અને અગાઉ પણ આવા ત્રણ બનાવ કરી ચૂક્યો છે. હાલ પોલીસે આરોપી ગણેશ રાકેશ ગુપ્તા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha