
-અજાણ્યા શખ્સે ચોકલેટની લાલચ આપી બાળકીનું અપહરણ કરી આચર્યું નૃશંસ કૃત્ય
- પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા-બાળકીના નિવેદનના આધારે દુષ્કર્મ કરનાર હેવાનનો સ્કેચ તૈયાર કરાયો
ભરૂચ 17 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં હૃદયદ્રાવક અને માનવતાને લજવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 5 વર્ષની એક માસૂમ બાળકીને શિકાર બનાવી એક નરાધમે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી પાંચ વર્ષની માસૂમ બાળકી જ્યારે ઘર પાસે હતી, ત્યારે એક અજાણ્યા શખ્સે તેને નિશાન બનાવી હતી. તે શખ્સે બાળકીને ચોકલેટ અને નાસ્તાના પડીકા આપવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે નરાધમ બાળકીને ફોસલાવી ગામની સીમ વિસ્તારમાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.બાળકીને નિર્જન વિસ્તારમાં લઈ ગયા બાદ નરાધમે તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યંત ગંભીર ઘટના બાદ ઘાયલ થયેલી બાળકી ગમે તેમ કરીને પોતાના ઘરે પહોંચી હતી અને તેની માતાને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. બનાવની ગંભીરતા જોતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાત્કાલિક બાળકીને લઈ વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા જ્યાં પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો.
વાલિયા પોલીસે આ મામલે તત્કાલ હરકતમાં આવીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ,દુષ્કર્મ અને પોક્સો જેવી કલમો હેઠળ ગંભીર ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભોગ બનનાર બાળકીને તાત્કાલિક સારવાર અને મેડિકલ તપાસ અર્થે વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે તેનો સ્કેચ તૈયાર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી સીમાડા ખૂંદવાનું શરૂ કરાયું છે.
આ અમાનવીય ઘટનાને પગલે ગ્રામજનો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આવા હેવાનિયતભર્યું માનસ ધરાવતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને ફાંસી જેવી કઠોર સજા મળે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. માસૂમ બાળકોની સુરક્ષાને લઈને ફરી એકવાર અનેક પ્રશ્નો ઉભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ