સુરતમાં 1 કિલો ઘીમાંથી 15 કિલો મિલાવટી ઘી બનાવતી ગેરકાયદે ફેક્ટરી પકડાઈ
સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં ફરી એકવાર ખાદ્ય ભેળસેળનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સચિન GIDC વિસ્તારમાં પોલીસે એક ફેક્ટરી પર દરોડો પાડી એવો ગેરકાયદેસર ધંધો બહાર લાવ્યો, જેમાં માત્ર 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું
Surat


સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં ફરી એકવાર ખાદ્ય ભેળસેળનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સચિન GIDC વિસ્તારમાં પોલીસે એક ફેક્ટરી પર દરોડો પાડી એવો ગેરકાયદેસર ધંધો બહાર લાવ્યો, જેમાં માત્ર 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. આ ફેક્ટરી ‘સબકા ફૂડ્સ’ના નામે ચાલતી હતી અને લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડછાડ કરવામાં આવતી હતી.

તપાસમાં ખુલ્યું કે આરોપીઓ વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સનું મિશ્રણ કરીને ઘી જેવી સુગંધ અને ટેક્સચર બનાવતા હતા. તેઓ ચોક્કસ માપમાં કેમિકલ ઉમેરવા માટે સિરીંજનો ઉપયોગ કરતા, જેથી નકલી ઉત્પાદન પણ અસલી જેવું લાગતું. આ મિશ્રણને રંગ આપીને ગાયના ઘી જેવું દેખાડવામાં આવતું અને પછી બજારમાં વેચવામાં આવતું.

આ નકલી ઘી ‘વિદુર’ નામના બ્રાન્ડ હેઠળ વેચાતું હતું. પેકેજિંગ પણ એટલું આકર્ષક બનાવવામાં આવતું કે ગ્રાહકોને શંકા જ ન થાય. નાના પાઉચથી લઈને મોટા ડબ્બા સુધી વિવિધ પેકમાં માલ સપ્લાય થતો અને માત્ર સુરત જ નહીં, પરંતુ અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં પણ તેનો વેપાર થતો હતો.

પોલીસે દરોડા દરમિયાન તૈયાર માલ, કાચો માલ, મશીનરી અને રોકડ સહિત કુલ અંદાજે 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને સંચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે વેપારીઓની માંગ મુજબ નકલી ઘીનું ‘ક્વોલિટી લેવલ’ નક્કી કરવામાં આવતું હતું.

આ કૌભાંડમાં બે મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમણે ગેરકાયદેસર રીતે ફેક્ટરી અને ગોડાઉન ભાડે લઈને આખું નેટવર્ક ઉભું કર્યું હતું. પોલીસે હવે આ ગેંગ સાથે જોડાયેલા અન્ય વેપારીઓ અને સપ્લાય ચેઇનને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ, ફૂડ વિભાગે નમૂનાઓ લેબમાં મોકલી તપાસ શરૂ કરી છે, કારણ કે આવું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande