
ભાવનગર, 17 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર શહેરમાં વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિત્તે હિમોફિલિયા અંગે જાગૃતિ ફેલાવવા અને દર્દીઓને યોગ્ય આરોગ્ય સેવા મળી રહે તે માટે હિમોફિલિયા સોસાયટી ભાવનગર અને રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આવા કાર્યક્રમો દ્વારા લોકોને આ દુર્લભ રક્તસ્રાવજન્ય બીમારી વિશે માહિતગાર કરવામાં આવે છે.
ભાવનગર ખાતે રેડક્રોસ ભવન, દિવાનપરા રોડ પર કાર્યરત હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા સમયાંતરે દર્દીઓ માટે વિવિધ આરોગ્યલક્ષી કેમ્પ યોજવામાં આવે છે. આ અનુક્રમે આવતી કાલે તા. 19મી, રવિવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વિશેષ ચેકઅપ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં તે દર્દીઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ રહેશે જેમણે અગાઉ બોડી પ્રોફાઈલ ટેસ્ટ કરાવેલ છે. આવા દર્દીઓના મેડિકલ રિપોર્ટના આધારે નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે.
તદુપરાંત, જેમણે હજુ સુધી બોડી પ્રોફાઈલ ટેસ્ટ કરાવેલ નથી તેવા દર્દીઓ માટે વિનામૂલ્યે લેબ ટેસ્ટ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. હિમોફિલિયા દર્દીઓને સમયાંતરે વિવિધ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, તેથી આ કેમ્પ દરમિયાન ડોકટરો દ્વારા જરૂરી નિદાન, સારવાર અને આરોગ્ય સલાહ આપવામાં આવશે. ઉપરાંત, જરૂરી દવાઓ પણ મફતમાં આપવામાં આવશે.
આ કેમ્પનું વિશેષ આકર્ષણ એ છે કે તેમાં નવા દર્દીઓ માટે નોંધણી અને સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરવાની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી તેઓ ભવિષ્યમાં નિયમિત સારવાર અને માર્ગદર્શન મેળવી શકે.
હિમોફિલિયા સોસાયટી દ્વારા તમામ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અને સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે. આ પ્રકારના પ્રયાસો દ્વારા દર્દીઓના જીવનમાં સુધારો લાવવાનો અને સમાજમાં હિમોફિલિયા વિશે જાગૃતિ વધારવાનો મુખ્ય હેતુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT