
કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગંગાનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ નજીક દિવસદાઢે એક યુવકની નિર્દયી રીતે છરીના ઘા મારી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, નવાપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્તાક જુમા મન્સુરી ઘટના સમયે ગંગાનાકા નજીકના પેટ્રોલ પંપ પર હાજર હતા. ગુરુવારે બપોર દરમિયાન અચાનક એક હુમલાખોર ત્યાં આવી ચઢ્યો અને કોઈપણ ચેતવણી વિના મુસ્તાક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. હુમલાખોરે ગળા અને પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકતા મુસ્તાક ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડ્યા.
હુમલો એટલો ભયાનક હતો કે, યુવક લોહીલુહાણ હાલતમાં તડપતો રહ્યો, જ્યારે હુમલાખોર ઘટનાસ્થળેથી તરત જ ફરાર થઈ ગયો. બનાવની જાણ થતા જ અંજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી.
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણની દિશામાં સંકેતો મળી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
આ ગંભીર બનાવને લઈને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેલ્સ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે આરોપીની શોધખોળ ચાલી રહી છે.
ભરે બજારમાં થયેલી આ નિર્ભય હત્યાએ અંજાર શહેરમાં સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ છે અને લોકો પોલીસ પાસેથી ઝડપી કાર્યવાહી તથા કડક સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar