
- માત્ર 10 સભાસદોથી શરૂ થયેલ મંડળીનું 1 લાખ કરોડનું ટન-ઓવર ધરાવતી 'અમુલ' બ્રાન્ડ બનવા પાછળ ગુજરાતના લાખો ખેડૂતો અને પશુપાલકોનો પરિશ્રમ : જગદીશ વિશ્વકર્મા
આણંદ/અમદાવાદ,17 એપ્રિલ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખેડા જિલ્લાના સિંહુજ ખાતે તથા આણંદ જિલ્લાના ઓડ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરી હતી.
જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં ખેડા અને આણંદ જિલ્લાના સહકારી ક્ષેત્રના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાએ દેશને સહકારી વિભાગ અને દૂધ મંડળીનો સાચો અર્થ સમજાવ્યો છે.
સરદાર સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રિભુવન કાકાએ માત્ર 10 સભાસદોથી શરૂ કરેલી મંડળી આજે 32 લાખ ખેડૂતો અને પશુપાલકોના યોગદાનથી સાથે 1 લાખ કરોડનું ટર્ન-ઓવર ધરાવતી 'અમુલ' બ્રાન્ડ બની છે, જેના થકી 150 થી વધુ પ્રોડક્ટ્સ વિશ્વભરમાં પહોંચી રહી છે. અમૂલની સફળતા માટે આપણે ખેડૂતો અને પશુપાલકોના આભારી છીએ.
ખેડૂત કલ્યાણ અને પ્રાકૃતિક ખેતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ટાંકતા તેમણે જણાવ્યું કે, આજે રાજ્યમાં 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં પ્રાકૃતિક પેદાશોને અમુલના માધ્યમથી યોગ્ય ભાવ અને વૈશ્વિક બજાર મળે તેવું આયોજન કરાયું છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી ખેડૂતોની આવક ડબલ થાય તે દિશામાં સતત ચિંતા કરી રહ્યા છે. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિના વાર્ષિક 6 હજાર રૂપિયા, 'કિસાન સૂર્યોદય યોજના' હેઠળ દિવસે વીજળી, ટ્રેક્ટર ખરીદી પર 1 લાખની સબસીડી અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે 1 લાખ સુધીની સહાય જેવી અનેક યોજનાઓ ભાજપ સરકારની ખેડૂત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિરોધ પક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર લાઠીચાર્જ અને ગોળીબાર થતા હતા, જ્યારે ભાજપ સરકાર આફતના સમયે ખેડૂતોના પડખે ઉભી રહે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિલંબ વગર અતિવૃષ્ટિમાં રૂ.10 હજાર કરોડની સહાય અને 15 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને સુરક્ષા આપી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાન કહેતા હતા કે હું 1 રૂપિયો મોકલું છું ને 15 પૈસા પહોંચે છે, જ્યારે આજે વડાપ્રધાન મોદી 100 ટકા લાભ છેવાડાના માનવીના ખાતામાં સીધો મળે છે.
મહિલા સશક્તિકરણ અને જનસેવાની વાત કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 'નારી શક્તિ વંદન અધિનિયમ', 'નમો લક્ષ્મી યોજના', 'લખપતિ દીદી' અને 'નળ સે જળ' જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે 10 લાખનું આરોગ્ય વીમા કવચ આપતું આયુષ્માન કાર્ડ અને ઉજ્જવલા યોજનાએ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.
ખેડા જિલ્લાની 364 બેઠકોમાંથી 47 બેઠકો બિનહરીફ થઈ છે. ભાજપના શાસન પર આજે જનતાનો અતૂટ વિશ્વાસ છે. 30 વર્ષ થી ગુજરાતની જનતાએ કોગ્રેસનો પંજો ગુજરાતની તિજોરી પર પડવા નથી દીધો. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ વચનો આપવા આવે, ચૂંટણી પતી જાય પછી વચનો પણ જતા રહે અને કોંગ્રેસ વાળા પણ જતા રહે. કોંગ્રેસ પાસે ન તો નેતા છે, ન તો વિઝન છે, ન તો પૂરતા ઉમેદવાર છે, ન તો કાર્યકર્તા છે, જ્યારે ભાજપ પાસે કર્મઠ કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે.
તેમણે કહ્યું કે, ભાજપાના 10 હજાર ઉમેદવારો પ્રજાની સેવા કરવા મેદાનમાં ઉતર્યા છે.
26 તારીખે 'કમળ'ના નિશાન પર ભાજપાને આપેલો એક મત રાષ્ટ્રની સુરક્ષા, યુવાનોની રોજગારી, શિક્ષણ અને મહિલાઓના સન્માનને સુનિશ્ચિત કરશે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, જિલ્લા ભાજપા અધ્યક્ષ નયના પટેલ, ધારાસભ્યઓ સહિત પક્ષના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ