
પાટણ, 18 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સુશીલ લિમ્બાચીયાને સભા અને રેલી માટે મંજૂરી ન મળતા વિવાદ ઉભો થયો છે. આ મુદ્દે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના વકીલો તેમના સમર્થનમાં આવ્યા છે અને પ્રશાસન સામે મોરચો ખોલ્યો છે.
લિમ્બાચીયાએ પ્રશાસન પર પક્ષપાત અને કિન્નાખોરીના આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ તેમને વિવિધ પક્ષો તરફથી દબાણ અને લાલચ આપવામાં આવ્યા હતા, અને હવે પ્રશાસન દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે.
તેમણે આક્ષેપ કર્યો કે કાર્યક્રમોની મંજૂરી માટેની અરજીઓ છેલ્લી ઘડી સુધી અટકાવવામાં આવે છે અને સભાના આગલા દિવસે નકારાત્મક રિપોર્ટ આપી મંજૂરી રદ કરવામાં આવે છે. અગાઉ રેલી માટે મળેલી મંજૂરી પણ અંતિમ ક્ષણે રદ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું.
બાર એસોસિએશનના પ્રમુખ આર.ડી. દેસાઈએ પ્રશાસન અને પોલીસ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ખતરો ન હોવા છતાં ઉમેદવારને પ્રચારથી રોકવા માટે મંજૂરી આપવામાં આવતી નથી, જે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે.
વકીલ મંડળે ચેતવણી આપી છે કે 24 કલાકમાં મંજૂરી નહીં મળે તો કલેક્ટર કચેરી સામે ધરણા કરવામાં આવશે. જરૂર પડે તો આમરણાંત ઉપવાસ પણ કરવામાં આવશે, જ્યારે લિમ્બાચીયાએ આગળની લડત વકીલ મંડળના માર્ગદર્શન હેઠળ જ લડવાની જાહેરાત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ