સોનારીયા પે.સેન્ટર શાળામાં નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
ગીર સોમનાથ 18 એપ્રિલ (હિ.સ.) સોનારીયા પે.સેન્ટર શાળામાં કર્મનિષ્ઠ અને સમર્પિત શિક્ષિકા કાશ્મીરાબેન દવેના નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સન્માન સમારોહ તેમજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ હર્ષોલ્લાસભેર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્
સોનારીયા પે.સેન્ટર શાળામાં નિવૃત્તિ સન્માન સમારોહ


ગીર સોમનાથ 18 એપ્રિલ (હિ.સ.) સોનારીયા પે.સેન્ટર શાળામાં કર્મનિષ્ઠ અને સમર્પિત શિક્ષિકા કાશ્મીરાબેન દવેના નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સન્માન સમારોહ તેમજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ હર્ષોલ્લાસભેર યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ધોરણ-૬ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધું હતું. કાર્યક્રમ દરમિયાન સોનારીયા પે.સેન્ટરની વિવિધ પેટા શાળાઓના આચાર્યઓ, સી.આર.સી. કોઓર્ડિનેટર તેમજ શાળામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ-૮ના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

દીક્ષાંત સમારોહમાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓએ પોતાના શાળાજીવનના અનુભવો અને યાદો વ્યક્ત કરી ભાવવિભોર વાતાવરણ સર્જ્યું હતું. આ પ્રસંગે કાશ્મીરાબેન દવેએ પોતાના ૨૬ વર્ષના સેવા ગાળાના સંસ્મરણો તાજા કર્યા હતા. ઉપસ્થિત શિક્ષકમિત્રોએ પણ તેમની સાથેના અનુભવો શેર કરીને તેમના કાર્યપ્રતિ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કાર્યક્રમના અંતે કાશ્મીરાબેન દવેનું ભેટસોગાદોથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓને શાળાની તરફથી યાદગીરીરૂપે ફાઈલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિશેષરૂપે, કાશ્મીરાબેન દવે દ્વારા શાળાના નવનિર્મિત પ્રાર્થના હોલ માટે રૂ. 16,200ના ખર્ચે 6 પંખાનો દાન આપીને શાળાપ્રતિ પોતાની લાગણી વ્યક્ત કરી હતી, જે સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાશ્મીરાબેન દવે દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનો માટે શ્રીખંડ, પુરી, સૂકી ભાજી, ભજીયા, સલાડ અને છાશનું સ્વાદિષ્ટ ભોજન પણ રાખવામાં આવ્યું હતું.

આમ, એક કર્મનિષ્ઠ શિક્ષકને ભાવભીની વિદાય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આશીર્વાદરૂપ બનેલો આ કાર્યક્રમ શાળાએ સુંદર આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande