
ભાવનગર, 18 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર શહેરના ડોનચોક વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ડોનચોક વિસ્તારમાં રહેતા અને વોરા બજારમાં “કૃષ્ણ ગોલ્ડ એન્ડ સિલ્વર” નામની દુકાન ધરાવતા સોની વેપારીની દુકાનમાં મોડી રાત્રે ત્રણ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા.
માહિતી મુજબ, તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં પ્રવેશ્યા બાદ તેમણે અંદરના કાઉન્ટરમાં રાખેલી આશરે રૂપિયા 10 હજારની રોકડ રકમ ચોરી કરી લીધી હતી. ખાસ વાત એ છે કે દુકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાંને હાથ ન લગાડતા તસ્કરો માત્ર રોકડ લઈને જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સવારે દુકાન ખોલવા આવતા વેપારીએ શટર તૂટેલું જોઈ ચોંકી ઉઠ્યા હતા. અંદર તપાસ કરતા રોકડ રકમ ગુમ હોવાનું જણાતા તેમણે તરત જ ગંગાજળીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ મામલે સોની વેપારીએ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને વેપારીઓમાં ભયનું માહોલ સર્જાયું છે. પોલીસે તસ્કરોને ઝડપથી પકડી પાડવાની ખાતરી આપી છે અને વધુ પેટ્રોલિંગ તથા સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT