
પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં જૂન 2026 થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
જેમાં નવા પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે, ઉનાળુ વેકેશન અથવા જાહેર રજાઓ દરમિયાન અભ્યાસ ચાલુ રાખવા અથવા ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરેલી ફી કરતાં વધુ રકમ શાળા વિકાસના નામે ડોનેશન તરીકે વસૂલવામાં આવશે તો તે સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે અને વિદ્યાર્થીઓને નિશ્ચિત દુકાનોમાંથી જ સ્કૂલ ડ્રેસ અથવા પાઠ્યપુસ્તકો ખરીદવા માટે દબાણ કરવું આવા તમામ કિસ્સાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)ના ઉલ્લંઘન બદલ સંબંધિત શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
કાયદાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે પ્રથમ વખત રૂ. 25,000નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ દરેક ઉલ્લંઘન માટે રૂ. 50,000નો દંડ વસૂલવામાં આવશે. વારંવાર નિયમોનો ભંગ કરતી શાળાઓની માન્યતા કાયમી રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.
વાલીઓની સુવિધા માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ સુલભ કરવામાં આવી છે. કોઈ શાળાની ગેરરીતિ અંગે માહિતી મળે તો આધાર પુરાવા સાથે dpeoporbandar@gmail.com અથવા deoporbandar@gmail.com પર ઇમેઇલ દ્વારા જાણ કરવા અથવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવસિંહજી સરકારી હાઈસ્કૂલની બાજુમાં, પોરબંદર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પંચાયત ભવન, પ્રથમ માળ, રૂમ નં.113 ખાતે રૂબરૂ રજૂઆત કરવાની વિનંતી કરવામાં આવી છે. અને ફરિયાદ કરનાર વાલી અથવા બાળકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya