

પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમાં 2022 ની સાલમાં જૂનાગઢના સોની વેપારીએ દુકાન શરૂ કરી હતી અને એક યુવાન પાસેથી દાગીના બનાવવા માટે 70,000 ની રોકડ અને જુના દાગીના સહિત ચાર લાખનો મુદ્દામાલ લીધો હતો પરંતુ ત્યારબાદ તે દુકાન બંધ કરીને ભાગી ગયો હતો જેને કમલાબાગ પોલીસે જુનાગઢ થી પકડી પાડયો છે.
માર્ચ 2026 માં નોંધાઈ હતી ફરિયાદ પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે 10 મી માર્ચ 2026 ના એક ફરિયાદ દાખલ થઈ હતી જેમાં પોરબંદરના કડીયાપ્લોટ હાઉસીંગ કોલોની શેરી નં. ૨માં ગાયત્રી પ્રોવીઝન સ્ટોરવાળી ગલીમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં મજૂરીકામ કરતા સંજય કલ્યાણજીભાઈ રાઠોડ નામના 38 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ચારેક વર્ષ પહેલા વર્ષ 2022 માં તેઓ ઘરે હતા ત્યારે સંજયની માતા હંસાબેને એવુ જણાવ્યુ હતુ કે તેની પાસે અઢી તોલાના જુના સોનાના બે ચેઇન છે જેને ભંગાવીને તમે બંને ભાઈઓ સંજય અને પારસની પત્નીઓ માટે દોઢ દોઢ તોલાના સોનાના સેટ કરાવી લઈએ જેથી માતા હંસાબેને વધુમાં જણાવ્યું હતુ કે આપણે જ્યાં પહેલેથી સોનુ કરાવીએ છીએ તે પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 9માં આવેલ આશાપુરા જવેલર્સ વાળા ધર્મેશભાઇની દુકાનમાં તેના સબંધી અર્જુન પાલાએ સોનીની દુકાન શરૂ કરી છે ત્યાં તેમને પૂછતા તેમણે એવુ જણાવ્યું હતુ કે 70 હજાર રૂપિયા રોકડા આપો અને અઢી તોલા સોનું આપો એટલે દોઢ-દોઢ તોલાના સેટ કરી આપશુ ત્યારબાદ સંજયની માતા હંસાબેને અગાઉ જેની પાસે સોનાના ઘરેણા બનાવતા તે ધર્મેશને પૂછયુ હતુ કે અર્જુન પાલા કે જે તમારી દુકાનમાં વેપાર ધંધો કરે છે તે માણસ કેવો છે? આથી ધર્મેશે જણાવ્યુ હતુકે ’અર્જુન પાલા મારો સબંધી થાય છે અને ખુબજ સારો એ પ્રમાણિક માણસ છે.’
તેથી ફરીયાદી સંજયે શરૂઆતમાં 50 હજાર અને પછી 20 હજાર મળી કુલ 70 હજાર રોકડા અને 3,30,000ના અઢી તોલાના સોનાના ચેઈન તેને આપી દીધા હતા અને દોઢ દોઢ તોલાના સેટ કરી આપવા જણાવ્યું હતુ.ત્યારબાદ અવારનવાર તેની દુકાને જઈને રૂબરૂ દાગીના માંગ્યા હતા પરંતુ આપ્યા ન હતા અને વર્ષ 2022 માંજ સોનુ આપ્યાના દોઢ મહિનાની અંદર જ અર્જુન પાલા તેની દુકાન બંધ કરીને જતો રહ્યો હતો. આથી ફરિયાદીએ ફોન કરતા અને પૈસાની માંગણી કરતા અર્જુન પાલાએ એવુ જણાવી દીધુ હતુ કેતમે આપેલ રૂપિયા અને અઢી તોલા સોનુ મારા અંગત ધ્વાખાનાના ખર્ચમાં વપરાઈ ગયા છે તેથી હું તમને નોટરી સમક્ષ લખાણ કરી આપુ’ તેમ કહેતા ફરીયાદીએ હા પાડતા 7-8-2022ના ફરીયાદી સંજય રાઠોડ અને અર્જુન પાલાએ નોટરી સમક્ષ સમજૂતી કરારનું લખાણ કરાવ્યુ હતુ. જેમાં એવુ જાણાવાયુ હતુ કે અર્જુન પાલા ફરીયાદીને 13.50 ગ્રામ સોનુ અને 1 લાખ 20 હજાર રોકડા આપશે જેમાં રોકડા રૂપિયા 26-8-22થી તા. 10-9-22 સુધીમાં આપવાના હતા. પરંતુ ખોટા વાયદા અને વિશ્વાસઘાત કરીને અત્યાર સુધી કોઇપણ રકમ અપાઇ નથી અને દાગીના પણ આપ્યા નથી. હાલમાં અર્જુન પાલા નામનો આ સોની વેપારી જુનાગઢ ખાતે રહેતો હોવાનુ જાણવા મળ્યુ છે ત્યારે 4 લાખ રૂપિયાની છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો તેની સામે દાખલ થયો છે જેમાં 3,30,000ના દાગીના અને 70 હજારની રોકડનું બુચ માર્યાનું જણાવાયુ હતુ.
કમલાબાગ પોલીસને મળી સફળતા બનાવ બાદથી આરોપી અર્જુન દિનેશ પાલા જૂનાગઢના જોશીપુરા ખાતે આશાપુરા જ્વેલર્સ ધરાવતો હતો અને ગણેશ નગર ખાતે હતો. પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો હતો અને પોલીસને મળતો નહોતો.આ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા સતત દેખરેખ, 1 ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાનમાં, સબ ઈન્સ્પેક્ટર જે એલ જાડેજા તથા કૌશિકકુમાર રામજીભાઈ ને મળેલી બાતમી ના આધારે જૂનાગઢના જોશીપુરા માં આવેલા ગણેશ નગર પરથી આરોપીને ટેકનિકલ સોસ અને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં - આવી છે તથા વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya