ધારીમાં આચારસંહિતાનો ભંગ? પ્રાથમિક શાળાની દીવાલ પર રાજકીય બેનરો લાગતાં ઉઠ્યા સવાલો
અમરેલી, 18 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ વચ્ચે એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ધારીના નવી વસાહત વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની બહાર અને દીવાલો પર રાજકીય બેનરો લગાવવામાં આવ્યા હોવાની ઘટના ચર્ચાનો વિ
ધારીમાં આચારસંહિતાનો ભંગ? પ્રાથમિક શાળાની દીવાલ પર રાજકીય બેનરો લાગતાં ઉઠ્યા સવાલો


અમરેલી, 18 એપ્રિલ (હિ.સ.)

અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ વચ્ચે એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ધારીના નવી વસાહત વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની બહાર અને દીવાલો પર રાજકીય બેનરો લગાવવામાં આવ્યા હોવાની ઘટના ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ છે, છતાં શાળાની સરકારી સંપત્તિ પર ભાજપના બેનરો દેખાતા નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો ઉઠી રહ્યા છે.

ખાસ કરીને પ્રાથમિક શાળા જેવી સંવેદનશીલ અને શૈક્ષણિક સંસ્થાની દીવાલો પર રાજકીય પ્રચાર સામગ્રી લગાવવામાં આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શાળાની બહાર તેમજ સામેની બાજુ પર પણ બોર્ડ લગાવાયા હોવાનું જણાવાયું છે, જેના કારણે પ્રશાસનની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિક નાગરિકો પૂછે છે કે, આવી પરવાનગી કોના દ્વારા આપવામાં આવી અને જવાબદાર કોણ છે? ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. આ ઘટના આદર્શ આચારસંહિતાના અમલ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande