ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યા,આગચંપી-તોડફોડ
- ધંધુકામાં વિફરેલા ટોળાએ દુકાનો અને વાહનો સળગાવ્યા ધંધુકા/અમદાવાદ,18 એપ્રિલ (હિ.સ.) ધંધુકામાં ગાડી ઓવરટેક વિવાદ બાદ ધર્મેશ ગમારાની છરીથી હત્યા થયા બાદ બે કોમ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જે બાદ આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. જ
ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યા,આગચંપી-તોડફોડ


- ધંધુકામાં વિફરેલા ટોળાએ દુકાનો અને વાહનો સળગાવ્યા

ધંધુકા/અમદાવાદ,18 એપ્રિલ (હિ.સ.) ધંધુકામાં ગાડી ઓવરટેક વિવાદ બાદ ધર્મેશ ગમારાની છરીથી હત્યા થયા બાદ બે કોમ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જે બાદ આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. જોકે હાલ પોલીસે આરોપી પકડી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પરંતુ આ ઘટનાએ ચાર વર્ષ જૂના ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યાકાંડની યાદ તાજા કરાવી છે.

ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. હાલ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે એસ.પી. સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.

ધંધુકા: ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે 35 વર્ષીય યુવક ધર્મેશ ગમારાને વિધર્મી યુવાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા ધંધુકામાં હાલ ભારેલ અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ધર્મેશ ગમારાને વિધર્મી યુવકે પગમાં છરી મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ધંધુકામાં બે કોમ આમને સામને આવી ગઈ છે અને શહેરમાં વાહનોમાં તોડફોડ, દુકાનોમાં આગચંપી અને પથ્થરમારો થઈ રહી હોવાની માહિતી સામે આવી છે. આ રમખાણોએ ચાર વર્ષ જૂના આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા ધંધુકાના કિશન ભરવાડ હત્યાકાંડની યાદ તાજા કરાવી છે, ત્યારે હાલ તો સ્થાનિક પોલીસે ધર્મેશ ગમારાના હત્યારાને પકડી લીધો છે અને વણસેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

ધારાસભ્ય કાળુ ડાભીએ જણાવ્યુ હતુ કે, બહારગામ હતો અને ઘટનાની જાણ થતાં આરએમએસ હોસ્પિટલ ગયો, ત્યાં જોયું તો એક યુવાનનું મૃત્યુ થયેલું હતું. ત્યારબાદ અમે શાંતિની અપીલ કરી, તેમના સમાજના આગેવાનો સાથે બેઠક થઈ, જિલ્લાના એસપી પણ પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા. બધા સાથે બેઠક બાદ હાલ ધંધુકામાં શાંતિનો માહોલ છે.

સમગ્ર મામલે પ્રાથમિક માહિતી મુજબ બાઇક ઓવરટેક કરવા મુદે માથાકૂટ થઈ હતી. જે ઉગ્ર બોલાચાલી બાદ હત્યા પરિણમી હતી. યુવાનની હત્યા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો, જેના પરિણામે અચાનક પરિસ્થિતિ વણસી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં આવેલી અમુક દુકાનોને નિશાન બનાવી આગ ચાંપી હતી. આ હિંસક પ્રવૃત્તિને કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં વધારાની પોલીસની ટૂકડી ઉતારી દેવામાં આવી છે. એસ ઓ જી, એલસીબી સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરનારા તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ ધંધુકામાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે હત્યાના મૂળ કારણોની તપાસ શરૂ કરી છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તજવીજ તેજ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande