
ભાવનગર, 18 એપ્રિલ (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના તેમજ ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન શહેરના તમામ વોર્ડ સ્તરના કાર્યકરોને સક્રિય બનવા, મતદારો સાથે સતત સંપર્કમાં રહેવા અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનિરુદ્ધભાઈ દવેએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપનું મુખ્ય બળ તેના કાર્યકરો છે અને દરેક કાર્યકરે પોતાના વિસ્તારમાં સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય કરવું જરૂરી છે.
આ ઉપરાંત, ચૂંટણી પહેલા બૂથ લેવલ સુધી મજબૂત માળખું ઉભું કરવા, નવા મતદારોને જોડવા તેમજ પ્રચારની અસરકારક કામગીરી માટે વિવિધ કમિટીઓની રચના અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં હાજર આગેવાનો દ્વારા પોતાના વિસ્તારોની હાલની સ્થિતિ અને પડકારો અંગે પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ભાવનગર મહાનગરના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંડળ અધ્યક્ષો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. અંતે સૌએ એકજુટ થઈને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT