

પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1ના ભાજપના ચાર ઉમેદવારોના પ્રચાર માટે સાલવીવાડામાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગોપાલભાઈ પાઠક, અશોકભાઈ વ્યાસ, સત્યન કુલાબકર અને કે.સી. પટેલ હાજર રહ્યા હતા. કાલિકા માતાજીના આશીર્વાદ સાથે ઉમેદવારોને જીત માટે શુભેચ્છા પાઠવાઈ.
ભાજપના ઉમેદવારો વિવેક પટેલ, નીતાબેન પટેલ, અશોક ઠાકોર અને ચંદ્રિકાબેન રાવળના સમર્થનમાં કાર્યાલય શરૂ કરાયું. વિવેક પટેલે જણાવ્યું કે આ કાર્યાલય પાંચ વર્ષ સુધી લોકોની સેવા માટે ખુલ્લું રહેશે અને મતદારોના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ બનશે.
સભામાં મનોજ પટેલે કોંગ્રેસ પર આક્ષેપો કરતાં કહ્યું કે કોંગ્રેસે સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના પર થયેલી ફરિયાદનો ઉલ્લેખ કરીને મતદારોને ભાજપને જંગી મતોથી જીતાડવા અપીલ કરી.
સત્યન કુલાબકર અને કે.સી. પટેલે પણ કોંગ્રેસની ટીકા કરી અને ભાજપના વિકાસકાર્યોને આગળ વધારવા માટે મતદાન કરવાની અપીલ કરી. તેમણે કાર્યકરોને સક્રિય રહી દરેક મતદાતા સુધી પહોંચવા અનુરોધ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ