બાળકોને મોબાઈલ છોડાવી મેદાનમાં લાવવા ‘ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ’ યોજાઈ
- બાળકોએ વિસરાઈ ગયેલી દેશી રમતો, રમકડાંઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ ઉઠાવ્યો ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : આજના સમયમાં બાળકોમાં વધતી મોબાઈલ અને ડિજિટલ લત માતા-પિતાઓ માટે ચિંતાનો વિષય બની રહી છે. આ પરિસ્થિતિમાં બાળકોને મોબાઈલ સ્ક્રીનથી દૂર લઈ જઈને
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- બાળકોએ વિસરાઈ ગયેલી દેશી રમતો, રમકડાંઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ ઉઠાવ્યો

ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : આજના સમયમાં બાળકોમાં વધતી મોબાઈલ અને ડિજિટલ લત માતા-પિતાઓ માટે ચિંતાનો વિષય બની રહી છે. આ પરિસ્થિતિમાં બાળકોને મોબાઈલ સ્ક્રીનથી દૂર લઈ જઈને તેમને મેદાનમાં રમતો પ્રત્યે પ્રેરિત કરવા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ‘ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ’નું અનોખું આયોજન સેક્ટર-૨૯ સ્થિત જલારામ મંદિર પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સવારે ૭ વાગ્યાથી શરૂ થયો હતો અને તેમાં મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબહેન પટેલ, ઈફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માનનીય મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, આજના સમયમાં બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે, ત્યારે આવા ઉપક્રમો તેમને મેદાન તરફ વાળવામાં અને તેમના શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણીએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કાર્યને બિરદાવતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વ્યક્તિના જન્મ પહેલાંથી લઈને જીવનમૂલ્યો સુધીના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. માનનીય ધારાસભ્ય રીટાબહેન પટેલે ઉનાળાની રજાઓ દરમિયાન બાળકો માટે આ પ્રકારની મનોરંજક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન પ્રશંસનીય હોવાનું જણાવ્યું હતું.

૨ થી ૧૪ વર્ષના બાળકો અને તેમના માતા-પિતાને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર લઈ જઈને રમતગમત, શારીરિક સક્રિયતા અને સામાજિક વિકાસ તરફ ઉન્મુખ કરવાનો હતો. સાથે સાથે બાળકો અને માતા-પિતાઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન દોરડાકૂદ, લંગડી, ઉભી ખો, પાંચીકા, ભમરડાં, લખોટી, ગિલ્લીદંડા અને પગથિયા જેવી વિસરાઈ ગયેલી ભારતીય રમતોને ફરી જીવંત બનાવવામાં આવી હતી. બાળકો સાથે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના બાળપણની યાદોને તાજી કરી હતી. કાર્યક્રમમાં સંગીત, પેપરક્રાફ્ટ, ડ્રોઈંગ-પેઈન્ટિંગ, માટીકામ, ટોય મેકિંગ, ઝુંબા ડાન્સ, ચેસ, ક્લાઈમ્બિંગ વોલ અને ઝોર્બ રોલર જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

કાર્યક્રમમાં એનિમિયા પરીક્ષણ, આયુર્વેદિક માર્ગદર્શન તેમજ બાળકો માટે કેરિયર કાઉન્સેલિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે વાલીઓ માટે ઉપયોગી સાબિત થઈ હતી. ટેક્નોરથ, મેટ્રિક મેળો, પુસ્તક પરબ તેમજ ભારતીય દેશી અને લાકડાના રમકડાંના સ્ટોલ્સ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા હતા, જ્યાં બાળકોને શીખવા અને માણવાનો અનોખો અનુભવ મળ્યો હતો. તદુપરાંત હેપ્પી યુથ ક્લબ દ્વારા ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

‘ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ’ દ્વારા બાળકોમાં આનંદ, સર્જનાત્મકતા અને શારીરિક સક્રિયતાનો વિકાસ થાય તે સાથે ભારતીય પરંપરાગત રમતો પ્રત્યે ફરી રસ જાગૃત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાળકો અને વાલીઓ માટે એક યાદગાર અનુભવ સાબિત થયો હતો.

આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. શિલ્પા વાળા અને મહેન્દ્ર પટેલે ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં રઘુ રમકડું, કલાઈ ઈન્નોવેટિવ સ્કૂલના જય કાથરોટિયા, બિંદુબેન ઝાલા, હેપ્પી ક્લબ યુથ ક્લબના સમીર રામી, કેઆર શ્રોફ ફાઉન્ડેશન સહિતની વિવિધ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande