
નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.): ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને 8 બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રસારિત ભ્રામક સામગ્રી સામે સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પંચે જણાવ્યું છે કે, માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000, આઈટી નિયમો, 2021 તથા આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ હેઠળ તમામ સંબંધિત પક્ષોએ ડિજિટલ મંચોનો જવાબદાર અને નૈતિક ઉપયોગ સુનિશ્ચિત કરવો પડશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોઈપણ ભ્રામક અથવા કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા તૈયાર કરાયેલી અથવા છેડછાડ કરવામાં આવેલી સામગ્રી પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ત્રણ કલાકની અંદર કાર્યવાહી કરવી પડશે. સાથે જ, રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે કૃત્રિમ રીતે તૈયાર કરાયેલી અથવા પરિવર્તિત સામગ્રીને સ્પષ્ટપણે ‘કૃત્રિમ બુદ્ધિમત્તા જનિત’ અથવા ‘ડિજિટલ રીતે પરિવર્તિત’ તરીકે અંકિત કરવામાં આવે અને તેના સ્ત્રોતની માહિતી પણ આપવામાં આવે.
પંચે જણાવ્યું કે, આસામ, કેરળ, તમિલનાડુ, પોંડીચેરી અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સોશિયલ મીડિયા સામગ્રીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આચારસંહિતાનું ઉલ્લંઘન કરતી, કાયદો અને વ્યવસ્થાને અસર કરતી અથવા મતદાન પ્રક્રિયા અંગે ભ્રામક માહિતી ફેલાવતી સામગ્રી પર સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું છે કે, 15 માર્ચના રોજ ચૂંટણીની જાહેરાત થયા પછી અત્યાર સુધીમાં 11 હજારથી વધુ વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ અને યુઆરએલની ઓળખ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આમાં સામગ્રી હટાવવી, એફઆઈઆર નોંધવી, સ્પષ્ટીકરણ માંગવું અને ખંડનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પંચે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126ની જોગવાઈઓને દોહરાવતા કહ્યું કે, મતદાન સમાપ્ત થવાના 48 કલાક પહેલાના શાંત સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે અને તમામ માધ્યમોએ તેનું સખતપણે પાલન કરવું પડશે.
પંચે જણાવ્યું કે, નાગરિકો, રાજકીય પક્ષો અને ઉમેદવારો સી-વિજિલ માધ્યમ દ્વારા આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી શકે છે. 15 માર્ચથી 19 એપ્રિલની વચ્ચે આ માધ્યમથી 3 લાખ 23 હજાર 99 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 96 ટકા ફરિયાદોનો નિકાલ 100 મિનિટની નિર્ધારિત સમય મર્યાદામાં કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ