
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકારે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કામ કરતા શ્રમિકો અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટ્રક માઉન્ટેડ એટેન્યુએટર્સ (ટીએમએ) લગાવ્યા છે. આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ફેલાયેલા 681 કિલોમીટર લાંબા 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ પર 33 ટીએમએ અને 15 ટોવેબલ ટીએમએ સ્થાપિત કરવામાં આવ્યા છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, આ ઉપકરણો અથડામણની સ્થિતિમાં ઉર્જાને શોષી લઈને તેની અસર ઘટાડે છે અને ગંભીર અકસ્માતોથી બચાવે છે. તેમાં લાગેલી વિગ-વેગ ચેતવણી લાઈટો રાત્રિના સમયે, ધુમ્મસમાં અને હાઈ-સ્પીડ કોરિડોરમાં ચાલકોને અગાઉથી જ સતર્ક કરે છે. તમામ યુનિટો આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડોને અનુરૂપ છે અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની અથડામણ સહન કરવામાં સક્ષમ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 પ્રોજેક્ટ્સમાં કુલ 33 ટીએમએ લગાવવામાં આવ્યા છે અને 15 ટોવેબલ ટ્રક માઉન્ટેડ એટેન્યુએટર્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. તમામ યુનિટો વૈશ્વિક સુરક્ષા માપદંડો જેવા કે એમએએસએચ ટેસ્ટ લેવલ-3 અને એનસીએચઆરપી 350 ટેસ્ટ લેવલ-3 ને અનુરૂપ છે અને આ સિસ્ટમો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની અથડામણને સહન કરવામાં સક્ષમ છે.
નોંધનીય છે કે, ટીએમએ હાઈવે નિર્માણ સ્થળો પર કામ કરતા શ્રમિકો અને વાહનોની સુરક્ષા માટે એક ફરતું 'ક્રેશ કુશન' છે, જે તેજ ગતિએ આવતા વાહનોની અથડામણની અસરથી બચાવે છે. આ ટ્રકની પાછળ લગાવેલું એક વિશેષ ઉપકરણ છે, જે અકસ્માતની સ્થિતિમાં ઉર્જાને શોષી લઈને પાછળથી થતી અથડામણની ગંભીરતાને નોંધપાત્ર રીતે ઘટાડી દે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ