સુરતના કામરેજમાં નકલી ટોલનાકાનું ભાંડાફોડ, બાયપાસ રોડ પર ગેરકાયદે વસૂલાતનો ખુલાસો
સુરત, 19 એપ્રિલ (હિ.સ.) : સુરત જિલ્લામાં નકલી ટોલનાકા દ્વારા લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ નજીક કેટલાક શખ્સોએ નેશનલ હાઈવે-48ને બાયપાસ કરતા ગ્રામ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ટોલ વસૂલવાનું શરૂ
Fraud


સુરત, 19 એપ્રિલ (હિ.સ.) : સુરત જિલ્લામાં નકલી ટોલનાકા દ્વારા લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ નજીક કેટલાક શખ્સોએ નેશનલ હાઈવે-48ને બાયપાસ કરતા ગ્રામ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ટોલ વસૂલવાનું શરૂ કર્યું હતું. હાઈવેના સત્તાવાર ટોલથી બચવા માટે આ રસ્તો વાપરતા વાહનચાલકોને નિશાન બનાવવામાં આવતા હતા.

આ શખ્સોએ રસ્તા પર નાકું ઊભું કરીને વાહનો રોકી અને રસીદ આપીને રૂપિયા વસૂલતા હતા. શરૂઆતમાં સામાન્ય લાગતી આ પ્રવૃત્તિ અંગે જ્યારે જાગૃત નાગરિકોએ સવાલો પૂછ્યા, ત્યારે સંચાલકો યોગ્ય પરવાનગી દર્શાવી શક્યા નહોતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો બહાર આવ્યો.

વિડિયો સામે આવ્યા બાદ કામરેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સ્થળ પરથી નકલી ટોલનાકું દૂર કરાવ્યું. સાથે જ વસૂલાત માટે આપવામાં આવતી રસીદો પણ કબજે કરી લેવાઈ છે. પોલીસે આ મામલે સંડોવાયેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ મામલે સંચાલકો દ્વારા ગ્રામ પંચાયતના ઠરાવનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આ દાવાની સચ્ચાઈ ચકાસવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે તપાસ સોંપાઈ છે. આ ઘટનાએ સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે, કારણ કે લાંબા સમય સુધી ચાલતી ગેરકાયદે વસૂલાત વિશે કોઈ જાણકારી કેમ મળી નહીં તે મુદ્દે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande