સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર ખાતે ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનું આગમન, વર્લ્ડ કપ ટ્રોફી સાથે લીધા દાદાના આશીર્વાદ
બોટાદ, 19 એપ્રિલ (હિ.સ.)આજ રોજ બોટાદ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિરમાં એક વિશેષ આધ્યાત્મિક પ્રસંગ સર્જાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર તથા તાજેતરમાં જીતેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ
બોટાદ


બોટાદ, 19 એપ્રિલ (હિ.સ.)આજ રોજ બોટાદ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિરમાં એક વિશેષ આધ્યાત્મિક પ્રસંગ સર્જાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર તથા તાજેતરમાં જીતેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી સાથે દાદાના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા.

મંદિર પરિસરમાં બંને ક્રિકેટ દિગ્ગજોએ દાદાના ચરણોમાં નમન કરી આશીર્વાદ લીધા હતા. આ સાથે જ તેમણે મંદિર પરંપરા મુજબ ધજા ચડાવી ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમની સાથે આવેલા ભક્તો અને સ્થાનિક લોકોમાં પણ આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ પવિત્ર પ્રસંગે વિવેકસાગર સ્વામી તેમજ મંદિરના સંતો દ્વારા ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સંતોએ તેમને આશીર્વચન આપીને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. વિશ્વ કપ જેવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ દાદાના દરબારમાં હાજરી આપવી એ તેમની શ્રદ્ધા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

મંદિરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ પોતાના પ્રિય ક્રિકેટરોને નજીકથી જોવા મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને ગૌરવની લાગણીથી છલકાતું બન્યું હતું. આ પ્રસંગે ખેલ અને ધાર્મિક આસ્થા વચ્ચેનું અનોખું સંકલન જોવા મળ્યું, જે સૌ માટે યાદગાર બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande