ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલે ગીર સોમનાથ રેડ ક્રોસની મુલાકાત લીધી
ગીર સોમનાથ 19 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલે ગીર સોમનાથ રેડ ક્રોસની મુલાકાત લીધી હતી. તેમણે વેરાવળ રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે રાહત દરે અપાતી આરોગ્ય સેવાઓની કામગીરીની પ્રશંસા કરી
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન


ગીર સોમનાથ 19 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલે ગીર સોમનાથ રેડ ક્રોસની મુલાકાત લીધી હતી. તેમણે વેરાવળ રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે રાહત દરે અપાતી આરોગ્ય સેવાઓની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ મુલાકાત દરમિયાન ગીર સોમનાથ રેડ ક્રોસના ચેરમેન અતુલ એમ. કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટ એન. ઉનડકટ, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ સહિત મેનેજમેન્ટ કમિટીના સભ્યો સેવારામ મુલચંદાણી, પરાગભાઈ ઉનડકટ, રાજુભાઈ પટેલ અને ગીરીશભાઈ વોરાએ સ્ટેટ ચેરમેનનું સ્વાગત કર્યું હતું. તેમણે અજયભાઈ પટેલને સંસ્થા દ્વારા ચાલતી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને બ્લડ બેન્ક સહિતના તમામ વિભાગોની મુલાકાત કરાવી હતી.

સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબર 2023ના રોજ રેડ ક્રોસ આરોગ્ય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ શાખા સમગ્ર ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે રાહત દરે સેવા આપવામાં અગ્રેસર બની છે. સંસ્થા પાસે ઉચ્ચ ગુણવત્તાવાળી NHBA માન્યતા પ્રાપ્ત બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ, ડિઝાસ્ટર ટ્રેનિંગ અને સર્જીકલ સાધનો વિનામૂલ્યે વાપરવાની સુવિધા ઉપલબ્ધ છે. હાલમાં જ આયુર્વેદિક પદ્ધતિથી પંચકર્મ અને ગર્ભ સંસ્કાર સહિતના નિદાન અને સારવાર પણ શરૂ કરવામાં આવી છે.

અજયભાઈ પટેલે ઉમેર્યું હતું કે, આ તમામ સેવાઓ માત્ર જરૂરિયાતમંદો માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે આશીર્વાદરૂપ છે. તેમણે ગીર સોમનાથની જાહેર જનતાને રાહત દરે અપાતી આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે રેડ ક્રોસ ગીર સોમનાથની સમગ્ર ટીમને ભવિષ્યમાં પણ સેવાના આ ભગીરથ કાર્યમાં યોગદાન આપતા રહેવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.

નોંધનીય છે કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગીર સોમનાથ જિલ્લા શાખા 2015થી કાર્યરત છે. અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ તમામના સહિયારા સહયોગ અને દાતાઓના અનુદાનથી આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સમગ્ર જિલ્લામાં આરોગ્યની રાહત દરે સેવાઓ આપવા માટે સંસ્થા કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ રહેશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande