


કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ભુજ ખાતે સ્થિત ઐતિહાસિક પ્રાગમહેલ દરબારગઢમાં, આજે વૈશાખ સુદ એકમના પાવન પ્રસંગે કચ્છની રાજપરંપરાને અનુરૂપ ટીલામેડી ખાતે માં મહામાયાનું વિધિવત પૂજન ભવ્યતા સાથે યોજાયું હતું. આ ધાર્મિક વિધિમાં પરંપરા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
આ શુભ અવસરે મહારાણી પ્રિતી દેવીબાએ, માં મહામાયાની આરાધના કરી સમગ્ર સમાજના સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. પૂજન દરમિયાન ધાર્મિક વિધિ-વિધાનોનું પાલન કરવામાં આવ્યું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પૂજન કાર્યક્રમની શરૂઆત પહેલા દરબારગઢ પરિસરમાં સ્થાપિત કચ્છ રાજ્યના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને સર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજવી વારસાની ગૌરવગાથાને યાદ કરવામાં આવી અને ઐતિહાસિક પરંપરાનો માન વધારવામાં આવ્યો.
આ ધાર્મિક સમારોહમાં વિવિધ રાજવી પરિવારના સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેરાના ઠાકોર મયુરધ્વજસિંહજી, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહજી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, વિજેશકુમાર પુંજા, રાણી આરતીકુમારી, કુમાર હર્ષાદિત્યસિંહ, ડૉ. દિપાલીબેન ચાવડા, પ્રમોદભાઈ જેઠી સહિત રણજીતવિલા અને પ્રાગમહેલના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમે, કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને રાજવી ધરોવાહિકતાને ઉજાગર કરી, સાથે સાથે નવી પેઢીને આ વારસાથી જોડવાનો સંદેશ પણ આપ્યો. વૈશાખી પર્વના આ પાવન દિવસે યોજાયેલા આ પૂજન વિધિએ ભક્તિ, એકતા અને સંસ્કૃતિનું સુંદર દૃશ્ય સર્જ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar