

કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ગરમીની મોસમ નજીક આવતાં જ સ્વાસ્થ્ય સંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને ભુજમાં ખોરાક અને ઔષધ નિયામક તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લામાં રોગચાળો ફાટી નીકળે નહીં અને ફૂડ પોઇઝનિંગ જેવી ઘટનાઓ અટકાવી શકાય તે માટે તંત્ર દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરાયું છે.
ભુજ તાલુકાના કુકમા, માધાપર તેમજ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ફૂડ વિભાગે ખાસ કરીને નાસ્તાની લારીઓ અને પાણીપુરી વેચાણ કરતા વેપારીઓ પર તીવ્ર નજર રાખી ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વેપારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ અપાઈ છે.
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ થોડા દિવસ પહેલા લોડાઈ ગામમાં બનેલી ચોંકાવનારી ઘટના છે, જ્યાં પાણીપુરી ખાધા બાદ આશરે ૧૦૦ જેટલા લોકોને પેટદર્દ, ઊલટી અને ઝાડા જેવી તકલીફો ઉભી થઈ હતી. ફૂડ પોઇઝનિંગના લક્ષણો દેખાતા અનેક લોકોને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ ઘટનાએ તંત્રને ચેતવી દીધું છે.
તાજેતરની તપાસ દરમિયાન કુકમા અને માધાપર વિસ્તારમાં કુલ ૨૧ જેટલા ખાદ્ય એકમોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ૯ નમૂનાઓ લેબ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા પાણીપુરીનું પાણી, દાબેલીનો મસાલો, પાપડી, કલર અને લીલી ચટણી સહિત અંદાજે ૫૫ કિલો જેટલો ખાદ્ય જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો.
જિલ્લા ફૂડ અધિકારી એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને જરૂર જણાય ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરાશે.
આ સમગ્ર કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે તંત્ર હવે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવાની મૂડમાં નથી અને જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar