
કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સફળતા મળતાં પશ્ચિમ કચ્છ પોલીસએ એક વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પર બાંગ્લાદેશી મહિલાને ખોટા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવવામાં મદદ કર્યાનો ગંભીર આરોપ છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને બોર્ડર રેન્જના આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પેરોલ, ફરલો અને જામીન પર છૂટેલા તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી.
આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલો આરોપી લખુરાઈ ચાર રસ્તા પાસે હાજર છે. આ બાતમીના આધારે પેરોલ ફરલો સ્ક્વોડ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન લતીફ ફકીર મામદ ખલીફા (રહે. કોડકી, ભુજ) નામનો આરોપી સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લઈ આગળની તપાસ માટે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ બી.એન.એસ.એસ.ની વિવિધ કલમો તથા પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને તે લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો. પોલીસની સુચિત કામગીરી અને ચોક્કસ માહિતીના આધારે આખરે તેની ધરપકડ શક્ય બની છે.
આ સમગ્ર ઓપરેશન પેરોલ ફરલો સ્ક્વોડના પીએસઆઈ એમ.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ટીમના અન્ય અધિકારીઓ અને સ્ટાફે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસની આ કામગીરીને કારણે જિલ્લામાં ફરાર આરોપીઓમાં દહેશતનો માહોલ સર્જાયો છે અને કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar