
કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : કચ્છના નખત્રાણા શહેરમાં વધતી જતી ઉકળાટભરી ગરમી વચ્ચે માનવતા અને સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. જૈન સેવા સંઘ દ્વારા શહેરના વથાણ ચોક વિસ્તારમાં આરામ ગ્રહ નજીક મફત છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જે હાલ રાહદારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
ચૈત્ર માસની તીવ્ર ગરમીમાં રસ્તા પર નીકળતા મુસાફરો, મજૂરો, વેપારીઓ તેમજ સ્થાનિક લોકો માટે આ ઠંડી છાશ એક પ્રકારની જીવનદાયી સેવા બની ગઈ છે. સવારથી જ શરૂ થતું આ કેન્દ્ર સાંજ સુધી સતત કાર્યરત રહે છે, જ્યાં દરેકને વિનામૂલ્યે તાજગીભરી છાશ પીરસવામાં આવે છે. ખાસ કરીને બરફમિશ્રિત ઠંડી છાશ પીવાથી લોકો ગરમીમાંથી રાહત અનુભવતા જોવા મળે છે.
આ સેવા કાર્યનું સંચાલન ભીમજીભાઈ સુથાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓ દ્વારા માત્ર સેવા જ નહીં પરંતુ સ્વચ્છતા અને ગુણવત્તાનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિને શુદ્ધ અને આરોગ્યપ્રદ છાશ મળે. સેવા દરમિયાન વ્યવસ્થિત આયોજન અને નિયમિતતા પણ જોવા મળે છે.
સ્થાનિક લોકોમાં આ પહેલને લઈ ખુબ જ ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકોએ જૈન સેવા સંઘના આ કાર્યની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે આવી માનવતાભરી સેવાઓ સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે.
જૈન સેવા સંઘ દ્વારા શરૂ કરાયેલ આ મફત છાશ કેન્દ્ર માત્ર તરસ બુઝાવવાનું સાધન નથી, પરંતુ તે સમાજમાં સહકાર, પરોપકાર અને સેવા ભાવનાને મજબૂત બનાવતું એક પ્રેરણાદાયી કાર્ય બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar