



કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ભુજ તાલુકાના લોડાઈ ગામે પાણીપુરી ખાધા બાદ સર્જાયેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાએ સમગ્ર તંત્રને સતર્ક બનાવી દીધું છે. શનિવારે વધુ 4 નવા કેસ સામે આવતા કુલ કેસોની સંખ્યા 74 સુધી પહોંચી ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે, મોટાભાગના દર્દીઓની તબિયત સુધારાની દિશામાં આગળ વધી રહી છે અને કેટલાક દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયો છે. નખત્રાણા તાલુકામાં આરોગ્ય અધિકારી ડૉ. એ.કે. પ્રસાદના માર્ગદર્શન હેઠળ ખાણીપીણીની દુકાનો, લારીઓ અને સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને પાણીપુરી વેચતા વેપારીઓ, ઠંડાપીણાં, બરફના ગોળા અને શેરડીના રસના સ્ટોલ પર સ્વચ્છતા અને ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વેપારીઓને સખત સૂચનાઓ આપવામાં આવી હતી કે તેઓ ખોરાક બનાવવામાં સડેલા અથવા વધુ પાકેલા શાકભાજી અને ફળોનો ઉપયોગ ન કરે, માત્ર શુદ્ધ અને ફિલ્ટર થયેલ પાણીનો ઉપયોગ કરે, તેમજ બાકી રહેલા ખોરાકને ફરીથી વાપરવાનું ટાળે. ઉપરાંત સ્વચ્છતા અને સેનિટેશન જાળવવા પર ખાસ ભાર મૂકાયો હતો. આરોગ્ય ટીમે RO પ્લાન્ટમાંથી પાણીના નમૂનાઓ લઈને તેની ગુણવત્તા ચકાસણી માટે મોકલ્યા છે.
રવાપર વિસ્તારમાં બસ સ્ટેશન રોડ અને હનુમાન મંદિર ચોક આસપાસ આવેલી ખાણીપીણીની લારીઓ પર પણ ચેકિંગ કરાયું હતું. અહીં પાણીપુરી, આઈસ્ક્રીમ અને અન્ય ફાસ્ટફૂડ વેચાણકારોને સ્વચ્છતા જાળવવા માટે કડક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આરોગ્ય વિભાગના સુપરવાઇઝર સુલેમન પીંજારા સહિતની ટીમ સક્રિય રહી હતી.
બીજી તરફ, લોડાઈ ઘટનાના ચાર દિવસ બાદ ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. કુકમા અને માધાપર વિસ્તારમાં ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા 21 સ્થળોની તપાસ કરી 9 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થો મળી આવતા આશરે 55 કિલો જેટલો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં પાણીપુરીનું પાણી, દાબેલીનો મસાલો, પાપડી, કલર અને લીલી ચટણીનો સમાવેશ થાય છે.
આ સમગ્ર ઘટનાએ એક વખત ફરી ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. લોકોમાં જાગૃતિ લાવવાની સાથે તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી જરૂરી બની છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને. હાલમાં લોડાઈ ગામની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે, જ્યારે આરોગ્ય ટીમો દ્વારા સતત સર્વેલન્સ અને સારવાર કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar